ગઠિયાઓએ ૧૦-૨૦ની નોટ જમીન પર નાખી કારમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો.
નરેશ ગનવાણી નડિયાદ
ગઠિયાઓએ ૧૦-૨૦ની નોટ જમીન પર નાખી કારમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો
ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગઠિયાઓએ ૧૦-૨૦ની નોટ જમીન પર નાખી કાર ચાલકને કહ્યું કે તમારા પૈસા પડી ગયા છે. કાર ચાલક પૈસા લેવા ઉતરતા જ અન્ય ગઠિયો કારમાંથી રોકડા એક લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રફૂચક્કર થઈ ગયો આ મામલે કારના માલિકે સેવાલીયા પોલીસમાં અજાણ્યા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.
ગળતેશ્વર તાલુકાના સોનીપુરા ગામે રહેતા અરવિંદસિંહ ચંદનસિંહ ચૌહાણ તેઓએ પોતાના ખેતરમાં વાવેલી નીલગીરીના ઝાડના વેચાણ અર્થેના રૂપિયા એક લાખ તેમજ બીજા ૧૦ હજાર આમ એક લાખ દસ હજાર રૂપિયા સેવાલિયા અને થર્મલ ખાતેની બેંકમાં જમા કરાવવા ગયા હતા. ૧૦ હજાર રૂપિયા સેવાલિયા બેંકમાં ભરી બજારમાં દહીં દૂધ લેવાનુ હતું તેઓ કારને સેવાલીયા મહાકાળી ડેરીની બહાર પાર્ક કરી હતી. અને ચિજવસ્તુઓ લઈને કારમાં બેસી ચાલુ કરતા હતા તે સમયે એક ઈસમે કાચ ખખડાવી કહ્યું કે તમારા પૈસા પડી ગયેલ છે. અરવિંદસિંહ નીચે રૂપિયા ૧૦-૨૦ની નોટો લેવા ગયા હતા. તે વખતે જ કાર ચાલકની નજર ચૂકવી અન્ય ગઠિયો આવી ગયો હતો અને ડ્રાઈવરની બાજુમાં સીટમાં મૂકેલ રૂપિયા ભરેલી બેગ તેમજ બેંકની પાસબુક લઇને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કાર ચાલકે કારમાં ચેક કરતા કાળા કલરની બેગ ન હતી. ત્યારબાદ આસપાસમાં તપાસ કરતા નજીકમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા જેમાં ફુટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, આ ચીલઝડપ ૩ લોકોએ કરી છે. જેમાં એક વ્યકિતએ કાર ચાલકનું ધ્યાન ભટકાવવા રૂપિયા ૧૦-૨૦ની ચલણી નોટો કારના ડ્રાઈવર સાઈડે નાખી હતી. અને ધ્યાન ભટકાવી અન્ય એક વ્યક્તિએ બાજુની સીટનો દરવાજો ખોલી બેગ લઇ મોટરસાયકલ પર આવેલા ઈસમ પાછળ બેસી ગયેલા હોવાનું દેખાયું હતું. આ મામલે અરવિંદસિંહ ચૌહાણે સેવાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.