ખેડા જિલ્લામાં  વિવિધ ક્ષેત્રમાં ૪૬ એકમો દ્વારા રૂ. ૧૫૦૪ કરોડના એમઓયુ કરવામાં આવ્યા.

નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં  વિવિધ ક્ષેત્રમાં ૪૬ એકમો દ્વારા રૂ. ૧૫૦૪ કરોડના એમઓયુ કરવામાં આવ્યા

વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઈપ્કોવાલા હોલના સભાગૃહ  ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા હતા  અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૧૫૦૪ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રભારી અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન એન્ડસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ , સિંઘાનિયા એલ્યુ -ફોઈલ  જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં મોટી સંખ્યામાં  વેન્ડરો સહભાગી થયા હતા. આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં ખેડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૪૬ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૧૫૦૪  કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી ખેડામાં આગામી દિવસોમાં લગભગ ૫૪૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે. જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩ માં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી ત્યારે ૨૫૦-૩૦૦ મૂડી રોકાણકારોએ  ગુજરાતમાં ઉદ્યોગો માટે નાણાં રોક્યા હતા. આજે વાઇબ્રન્ટ ગુજરાત તેની ૨૦મી ઉજવણી કરી રહ્યો છે ત્યારે ડાંગ આહવા થી કચ્છ સુધી ગુજરાતની ભૌગલિક પરિસ્થિતિને અનુલક્ષીને રોકાણ કારોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે અને આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે કોઈ પણ ઉધોગકાર ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે એમઓયુ કરે છે ત્યારે ગુજરાત સરકારની જવાબદારી બને છે તે ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે પ્રાથમિક જવાબદારી હોય છે તેની સાથે ઉદ્યોગકારોની એ જવાબદારી હોય છે તે સરકારને પૂરતો સહયોગ ઉદ્યોગમાં રોજગારી થકી પૂરો પાડે તે છે. ગુજરાતમાં ખેડા – આણંદ જિલ્લો આ બે જિલ્લાની છાપ વિકસિત જિલ્લા તરીકેની છે.અને આજે અહીંયા ૧૫૦૦ કરોડના એમઓયુ થયા છે જેથી આગામી સમયમાં  જિલ્લામાં રોજગારીની તકો ઉભી થશે તેવો  વિશ્વાસ મંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ મંત્રીએ જિલ્લાના મધ્યભાગમાં હોવાથી ઉદ્યોગકારોને કેવા ફાયદા થશે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.આવનારા સમયમાં ઉદ્યોગકારોને આગળ આવવાની તક માટેનો આ પ્રિ વાયબ્રન્ટ કાર્યક્રમ છે.     તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ થકી છેવાડાના નાનામાં કારીગરોને પ્રોત્સાહન મળે છે અને તેના કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રમોટ કરવામાં ફાયદો થશે, એમ શ્રી ઋષિકેશ પટેલે એ ભારપૂર્વક જણાવ્યું હતું. મંત્રીએ  ઉમેર્યું કે ગુજરાતની શાંતિ, સલામતી, ઉદ્યોગ સાહસિક્તા, કુશળ માનવબળની ઉપલબ્ધતા, સર્વોત્તમ માળખાકીય પરિવહનની સુવિધા, સ્થિરતા અને નીતિ નિર્ધારણને કારણે વિશ્વભરના રોકાણકારોનું પસંદગીનું રાજ્ય છે, આ ગુજરાતની ગેરંટી છે, એમ કહેતા શ્રી ઋષિકેશભાઈ પટેલે એ ઉમેર્યું કે, આ પરિબળોને પરિણામે જે માઇક્રોન, ટાટા એરબસ જેવી કંપનીનું ગુજરાતમાં રોકાણ આવ્યું છે અને તેનાથી અનેક લોકોને રોજગાર મળશે. એક સમયે ગુજરાતમાં રોડ પણ સારા નહોતા, તે ગુજરાતમાં આજે સી-૨૯૫ જેટલા ડિફેન્સ સેક્ટરના પ્લેન બની રહ્યા છે, આવું કોઇએ વિચાર્યું પણ નહી હોય !  કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી  દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા દ્વારા ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.ગુજરાત ભારત દેશનું ગ્રોથ એન્જીન છે દેશની જીડીપીમાં ગુજરાતની ૩૩ ટકાની હિસ્સેદારી છે. ૨૦૦૩ પહેલા ભૂકંપ વાવાઝોડા કોમી હિંસાના કારણે ગુજરાતની પ્રગતિ અવરોધાયી  હતી. પરંતુ ૨૦૦૩ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને  વાયબ્રન્ટ સમિટ યોજી રોકાણકારોને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. જેની ફલશ્રુતિના ભાગરૂપે આપણે આજે વાયબ્રન્ટના ગુજરાતના ૨૦ વર્ષ  ઉજવી રહ્યા છીએ. રોકાણકારોએ આજે પણ ગુજરાત પર  વિશ્વાસ મૂકી મૂડી રોકાણ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નડિયાદ દ્વારા અમલીકૃત યોજનાના છ લાભાર્થીઓને  રૂ. ૦૧ .૪૧  કરોડની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.  સાથો સાથ માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને ટૂલકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય  સંજયસિંહ મહિડા, માતરના ધારાસભ્ય  કલ્પેશભાઈ પરમાર,નડિયાદ નગરપાલિકાના પ્રમુખ  કિન્નરીબેન શાહ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ  અજયભાઇ બ્રહ્મભટ, ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી,જિલ્લા વિકાસ અધિકારી  શિવાની ગોયલ અગ્રવાલ,અધિક નિવાસી કલેક્ટર  બી.એસ.પટેલ પ્રાંતઅધિકારી તેમજ જિલ્લાના અધિકારીઓ મૂડી રોકાણકારો ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!