રાજ્યના 10 જિલ્લામાં 118 કડિયાનાકા પર ભોજનની વ્યવસ્થા. માત્ર એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ ભોજનનો લાભ મેળવ્યો.

સિંધુ ઉદય

*રાજ્યના 10 જિલ્લામાં 118 કડિયાનાકા પર ભોજનની વ્યવસ્થા. માત્ર એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ ભોજનનો લાભ મેળવ્યો*

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ ₹5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે. શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી વધુ બાંધકામ શ્રમિકો જ્યાં કામ કરતા હોય તેવી બાંધકામ સાઇટ પર ભોજનની ડિલીવરી કરવામાં આવે છે. હાલ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે. *10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર શ્રમિકોને ભોજન* શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં 10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર ભોજન પ્રદાન કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં અમદાવાદ (47 કડિયાનાકા), ગાંધીનગર (4 કડિયાનાકા), વડોદરા (12 કડિયાનાકા), સુરત (18 કડિયાનાકા), નવસારી (3 કડિયાનાકા), રાજકોટ (9 કડિયાનાકા) અને મહેસાણા (7 કડિયાનાકા), વલસાડ (6 કડિયાનાકા), પાટણ (8 કડિયાનાકા) અને ભાવનગર (4 કડિયાનાકા) નો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી ₹37ની સબસીડી ચૂકવીને માત્ર ₹5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. *ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવે છે ભોજન*શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી ભોજન શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!