ખેતરમાં શેડ ઉભો કરી ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ પોલીસે ઝડપી પાડયો
પોલીસે વસો તાલુકામાં ગેરકાયદેસર ચાલતા પ્રોસેસ હાઉસમાં તપાસ કરતા કાપડના તાકાને કેમિકલયુક્ત પાણીમાં ધોઈને તેના દુષિત પાણી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે નજીકના કાંસમાં છોડાતું હતું પોલ્યુશન બોર્ડ દ્વારા સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા એસ. ઓજી ટીમે ગુરૂવારે સાંજે બાતમી આધારે વસોના દંતાલીની સીમમાં આવેલ હિતેશભાઈ નરસિંહભાઇ પટેલના ખેતરમાં ચાલતા ગેરકાયદેસર પ્રોસેસ હાઉસ પર દરોડો પાડ્યો હતો. જેમાં પ્રોસેસ હાઉસ નો શેડ બનાવી કાપડના તાકા કેમિકલ થી ધોઇ તેનુ પાણી અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈન મારફતે કાંસમાં છોડી જમીન અને પાણીને પ્રદૂષિત કરાતું હતુ. પોલીસની કાર્યવાહી દરમિયાન હાજર સુરેશ ઈજાવા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા કાપડના તાકા કેમિકલ દ્વારા મશીન મારફતે ધોવાતા હતા. અને વોશ કરેલ દૂષિત પાણી અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે દંતાલી ગામના કાંસમાં છોડાતું હતુ આ જગ્યા હિતેશભાઈ પટેલ પાસેથી બે માસ અગાઉ ભાડે રાખી હતી અને આશરે એક માસથી અનુગ્રહ ટેક્સ ટાઇલ્સના નામથી તે પોતે પ્રોસેસ હાઉસ ચલાવતો હોવાનું જણાવ્યું હતું . પોલીસે એફ. એસ. એલ અને જિલ્લા પોલ્યુશન બોર્ડને જાણ કરતા અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં આ પ્રોસેસ હાઉસ ગેરકાયદેસર ધમધમતુ હોવાનુ ખૂલ્યુ હતુ.
આ બનાવ અંગે જિલ્લા એસ.ઓજીની ફરિયાદ આધારે વસો પોલીસે સુરેશ શ્રીધર ઇજાવા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.