દાહોદના આરોગ્યસેનાની કોરોના સામે યુદ્ધ જીતી જતાં પુષ્પવૃષ્ટિ સાથે હોસ્પિટલમાંથી રજા અપાઇ દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના કર્મચારીને એક પખવાડિયા પૂર્વે કોરોના વાયરસ લાગુ પડ્યા બાદ સાજા થઇ ગયા
દાહોદ તા.28
દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના કર્મચારીને એક પખવાડિયા પૂર્વે કોરોના વાયરસ લાગુ પડ્યા બાદ આજે તેઓ સાજાનરવા થઇ જતાં અહીંની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિત આરોગ્ય કર્મચારીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા અને બાદમાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. તેમના સહકર્મચારીઓએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી.
લિમડી ખાતે રહેતા અને જિલ્લા આરોગ્ય તંત્રમાં હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સબુરભાઇ પણધાની ઇન્સ્ટિટ્યુશન ક્વોરન્ટાઇન સેન્ટરમાં ફરજ હતી, એ દરમિયાન કોરોનાગ્રસ્ત એક બાળકીના સંપર્કમાં આવવાથી તેમને પણ ચેપ લાગ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ તા. ૧૩-૦૪-૨૦ના રોજ પોઝિટિવ આવતાની સાથે જ અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દાખલ થયા બાદના બીજાથી આઠમાં દિવસ સુધી કોરોના પ્રકોપ તેમના શરીર પર રહ્યો હતો. સખત તાવ, શરદી થયા હતા. એ દરમિયાન તેમને બે વખત ઓક્સિઝન આપવામાં આવ્યો હતો. તેઓ સીકલસેલ ડિઝીસીઝ ધરાવતા હતા.
પરંતુ, આઠમા દિવસથી તેમની તબિયત સતત સુધરતી જતી હતી. તેમણે પોતાની શારીરિક ક્ષમતા તથા આરોગ્ય સેવાના સહયોગથી કોરોના વાયરસને માત આપી દીધી હતી. આરોગ્ય તંત્ર દ્વારા દાખલ થયા બાદના ૧૪માં દિવસે કરાવેલો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ૧૫માં દિવસે પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે પણ નેગેટિવ આવ્યા હતો. બન્ને દિવસના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. કારણ કે, સબુરભાઇ પણધા દાહોદ જિલ્લામાં વસતા હોય એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમને કોરોના વાયરસ લાગુ પડ્યો હતો. ઇન્દોરની બાળકી મુસ્કાનને વડોદરાથી રજા અપાયા બાદ દાહોદના આ બીજા દર્દી પણ સાજા થઇ ગયા છે.
અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા, અધિક્ષક ડો. ભરત હઠીલા સહિતના અધિકારીઓએ સબુરભાઇના ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી અને બાદમાં તાળીઓના ગડગડાટથી સબુરભાઇના કોરોના વાયરસના સામેની જીતને વધાવી લીધી હતી.
કોરોના સામે સાવચેતી રાખવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ કેમ જરૂરી છે ? એ બાબત પણ અહીં નોંધવી જોઇએ. ઇન્દોરથી આવેલી મુસ્કાન નામની બાળકીને જ્યારે, ક્વોરન્ટાઇન સેન્ટર ઉપર લઇ જવામાં આવી ત્યારે, ત્યાં ફરજ ઉપર રહેલા સુબરભાઇએ વ્હાલથી બાળકીને બોલાવી અને કપાળ ઉપર હાથ ફેરવ્યો ને કોરોના લાગુ પડ્યો હતો.
#sindhuuday dahod

