ઝાલોદ નગરમાં વાઇબ્રન્ટ દિવાળીના પંચદિવસીય ઉત્સવનું યાદગાર સમાપન.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમાં વાઇબ્રન્ટ દિવાળીના પંચદિવસીય ઉત્સવનું યાદગાર સમાપન- “આ દિવાળી વતન વાળી” ની સાર્થકતા જોવા મળી સમાપનના છેલ્લા દિવસે પોતાનું વતન છોડી જતી વેળા આંખોમાં યાદગાર ઝલક લઇ જતા વણિક સમાજના લોકોએ અશ્રુભીની આંખે વિદાય લીધી ઝાલોદ નગરમાં તારીખ 10-11-2023 થી 15-11-2023 સુધી દશાનીમાં વણિક સમાજ દ્વારા નગરના સર્વ સમાજને સાથે લઈ વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવ ઉજવ્યો. આ ઉત્સવ ઉજવવા માટે એક વર્ષથી તડામાર તૈયારીઓ કરતાં વણિક સમાજના લોકોને સુંદર અને ભવ્ય સફળતા મળતા ઝાલોદ દશાનીમાં વણિક સમાજ તેમજ સર્વ વૈષ્ણવ સમાજમાં ખુશી જોવા મળતી હતી. દેશ વિદેશથી થી આવેલ વૈષ્ણવ સમાજના 1000 થી વધારે લોકોએ આ સુંદર આયોજનની પ્રસંશા કરતા જોવા મળતા હતા. તારીખ 10-11-2023 ના રોજ દેશ પરદેશથી 1000 જેટલા વૈષ્ણવ સમાજના લોકો જે ઝાલોદ નગરમાં પહેલાં વસવાટ કરતા હતા તેઓને ગોયલ પેલેસ ,પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરમાં વસતા વૈષ્ણવ સંપ્રદાયના ઘરોમાં સુંદર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને રાત્રે ડીજે સાથે ગરબાની રમઝટ માણવામાં આવી હતી. તારીખ 11-11-2023 ના રોજ વૈષ્ણવ સમાજ દ્વારા વહેલી સવારે નગરના મુખ્ય માર્ગો પર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 11 વાગ્યે વાઇબ્રન્ટ દિવાળીના ઉત્સવનું શુભારંભ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોની વચ્ચે દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહેમાનો અને વણિક સમાજના લોકો વચ્ચે કાર્યક્રમની રૂપરેખા સાથે વાઇબ્રન્ટ ઉત્સવને સ્વચ્છ , સુંદર, સમૃદ્ધ ની થિમ સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાંજે પાંચ વાગે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતેથી સર્વ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નગરમાં શ્રી નાથજી ના સુંદર દર્શન સાથે નગરમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સહુ લોકો માટે ડ્રેસ કોડ એક સરખો જોવા મળતા તેઓએ નગરમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. નગરમાં શોભાયાત્રા દરમ્યાન ફટાકડાની ભવ્ય આતસબાજી તેમજ આદિવાસી નૃત્ય એ પણ અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. નગરના રસ્તાઓ પર સર્વ સમાજ દ્વારા વાઇબ્રન્ટ નિમિતે સ્વાગત સંદેશના બેનર અને નયનરમ્ય રીતે ગેટ જોવા મળતા હતા. આખું નગર લાઇટિંગ થી સુશોભિત જોવા મળતું હતું. નગરમાં શોભાયાત્રા દરમ્યાન રૂટ પર સ્વાગત પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતા. નગરમાં આવેલ વૈષ્ણવ સમાજના લોકો વર્ષો પછી વતનમાં આવતા તેઓ નાચતા ઝૂમતા નગરમાં વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવની મજા લેતા જોવા મળતા હતા. તારીખ 12-11-2023 ના રોજ નગરમાં વૈષ્ણવ સંપ્રદાયના આવેલ લોકો એ નગરમાં આવેલ વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. વૈષ્ણવ સમાજના લોકો દ્વારા વિવિધ સંસ્થાઓના બીજ રોપેલ હતા તે આજે વટવૃક્ષ બની ગયેલ જોવા મળતા સહુ ખુશહાલ જોવા મળતા હતા. દિવાળી નિમિત્તે નગરના રામસાગર તળાવની વચ્ચે ફટાકડાની ભવ્ય આતશબાજીએ પણ અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું. રાત્રિના ગોયલ પેલેસ ખાતે શ્રી નાથજીની સુંદર ઝાંખી જોઈ સહુ અભિભૂત થઈ ગયેલ જોવા મળતા હતા.આ નયનરમય ઝાંખીમાં શ્રી નાથજીના દર્શન કરતા સહુ લોકો આનંદિત જોવા મળતા હતા. તારીખ 13-11-2023 ના રોજ ગોવર્ધન પૂજા, અન્નકૂટ દર્શનનો લ્હાવો સહુ લોકોએ લીધો હતો. બપોરે દેશ પરસેશથી આવેલ સહુ વૈષ્ણવ સમાજના લોકોએ નગર વિશે અભિપ્રાય તેમજ નગરમાં વિતાવેલ યાદગાર પળને સ્ટેજ પ્રોગ્રામ દ્વારા યાદો તાજી કરી વાગોળી હતી. તેમજ ભલે ગમે ત્યાં રહીએ પણ જ્યાં સુધી જીવ હસે ત્યાં સુધી ઝાલોદ નગરને કદી નહીં ભૂલી સકીએ. ઝાલોદ નગર હજુ પણ સહુના સ્મરણોમા છે. જ્યાં જન્મ લીધો તે સ્થળ ભૂલવું શક્ય નથી તેવી સુંદર વાતો સાથે સહુની આંખો ભરાઈ આવી હતી અને તેઓના ચહેરા પર વતનપ્રેમનો અનેરોભાવ જોવા મળતો હતો. રાત્રે સચિન લિમિયે ગ્રુપના સુંદર સંગીત પ્રોગ્રામનો લ્હાવો સહુ કોઈએ લીધો હતો. તારીખ 14-11-2023 ના રોજ વાઇબ્રન્ટ ઉત્સવમાં સહયોગ આપનાર સહુ દાતાર તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉત્સવને યાદગાર બનાવવામાં નામી અનામી સહુ લોકોનો આભાર પણ માનવામાં આવ્યો હતો. ગોયલ પેલેશના સુભાષભાઈ, ગોપાલભાઈ,કિરીટભાઈ દ્વારા પણ વાઇબ્રન્ટ ઉત્સવ સફળ બનાવવામાં મહેનત કરનારનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સાંજે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવાકે હરસિંહ સોલંકીનો હાસ્ય દરબાર, સંજય રાવલનુ પ્રેરણા દાયક પ્રવચન, જાદુના ખેલ, બોલિવૂડ મ્યુઝિક નાઇટ, ડીજે મસ્તી ધમાલ જેવા પ્રોગ્રામ રાખવામાં આવેલ હતા. વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવ દરમ્યાન દરરોજ લાલજી મંદિરે વિવિધ દર્શન તેમજ ભક્તિનો લ્હાવો સહુ કોઈએ લીધો હતો. આ ઉત્સવના સમાપન થતાં સહુ કોઈની આંખોમાં હર્ષના આંસુ જોવા મળતા હતા સાથે સાથે આ યાદગાર પળને તેઓ આંખોમાં વસાવી કદી નહીં ભુલાય તેવી યાદોને સાથે લઈ જવાનો હર્ષ પણ સહુ વૈષ્ણવોમા જોવા મળતો હતો. સહુ કોઈએ ખરા અને સાચા અર્થમાં *યે દિવાલી અપને વતન વાલી* ની મોજ માણી હતી. સહુ કોઈ બહારથી આવેલ વૈષ્ણવો ને વતન માંથી ફરી જવાની ઇચ્છા થતી ન હતી. આંખોમાં આંસુ અને યાદગાર સંભારણાનું ભાથું લઈ તેઓએ નગરમાંથી વિદાય લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!