નકલી સરકારી કચેરી કૌભાંડ કેસની તપાસમાં જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ઈશ્વર કોલચાની સંડોવણી બહાર આવતા તેની પણ ધરપકડ કરાઈ.

દાહોદ અને છોટા ઉદયપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં સંડોવાયેલા નિવૃત આઈએએસ બીડી નીનામા તેમજ અંકિત સુથારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તટસ્થ , નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તલસ્પર્શી તપાસમાં આજે દાહોદ જિલ્લા પંચાયતના કર્મચારી કાર્યપાલક ઇજનેર ઈશ્વર કોલચાની સંડોવણી બહાર આવતા તેની પણ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પોલીસે તૈયારી આદરી છે.અત્યાર સુધી પોલીસે સંદીપ રાજપૂત સહિત કુલ ચાર જણાની ધાર પકડ કરી છે. જ્યારે અન્ય કેટલાકની સંડોવણી બહાર આવવાની શક્યતા જણાતા તેઓની ધરપકડના ભણકારા વાગતા તેઓમાં ભય સહિતનો ફફડાટ ફેલાવવા પામ્યો છે. નકલી કચેરી કૌભાંડ પ્રકરણમાં જેઓના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે તેવા સંદીપ રાજપૂત તથા અંકીત સુથાર પાસેથી પોલીસે રજે રજની માહિતી એકત્ર કરી હતી. આ પહેલા આ પ્રકરણમા જે સો કામો કાગળ ઉપર બતાવવામાં આવ્યા છે. તેની તમામ ફાઈલો પોલીસે કબજે કરી હતી. અને ત્યારબાદ તપાસ આરંભ કરતા જ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા તપાસ કરનાર અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ત્યારે આ ચોકાવનારા ખુલાસાઓમાં દાહોદ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચાની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી લેતા અત્યાર સુધીમાં આ અત્યંત ચકચારી કચેરી કૌભાંડમાં નિવૃત આઇ.એ.એસ. બી.ડી.નીનામા સહિત કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. આ ચકચારી પ્રકરણમાં વધુ પૂછપરછ માટે જે તે સમયે પ્રાયોજના વહીવટદાર ની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ જે અન્ય જિલ્લામાં હાલ ફરજ બજાવી રહ્યા છે તેઓને તેમજ જે તે સમયે પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. અને હાલ પણ તેઓ દાહોદના વહીવટદાર કચેરીમાં જ ફરજ બજાવી રહ્યા છે. તેવા કર્મચારીઓને અને અધિકારીઓને પોલીસે રાઉન્ડ અપ કરી એલસીબી કચેરીએ બોલાવવામાં આવ્યા છે. અને તમામની એક પછી એક જુદા જુદા એંગલ પર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરી તેઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પ્રકરણમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો ફુલ ફ્લેગમાં તપાસમાં જોતરાઈ છે. ત્યારે આવનારા સમયમાં કયા કયા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પદાધિકારીઓનો નંબર લાગશે તે હવે જોવું રહ્યું!!!!
