નડિયાદ પાસે દાવડામા સમાજે બહિષ્કાર કરતા મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પાસે દાવડામા સમાજે બહિષ્કાર કરતા મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
નડિયાદ તાલુકાના દાવડા ગામે વ્યક્તિએ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. જોકે આ પહેલા મૃતકે સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાના સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ ૧૪ લોકોએ મરવા મજબૂર કર્યો હોવાનું જણાવ્યું છે. સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમીટી સભ્યોએ મૃતકને સમાજના પ્રસંગોમાં નહીં બોલાવતા અને ત્રાસ આપતા હોવાનું સ્યૂસાઈડ નોટમાં લખી આપઘાત કર્યો છે. આ બનાવ સંદર્ભે વસો પોલીસ મથકે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં મફતભાઈ ચંદુભાઈ પરમાર રહે છે. તેઓ 3 ભાઈઓ અને 5 બહેન છે. સૌથી નાનાભાઈ કનુભાઈ ચંદુભાઈ પરમાર છે. 15મી ડિસેમ્બરના રોજ મફતભાઈની માતા ગજરાબેનને જાણ થઈ હતી કે, તેમનો નાનો પુત્ર કનુભાઈ પરમાર ભાટવાળા ખેતરમાંથી રીક્ષા ચલાવી આવતા હતા ત્યારે ખેતરમાં ઊધો પડેલ હાલતમાં છે. જેથી ગજરાબેન તુરંત દોડી આવ્યા હતા અને કનુભાઈ બેભાન હતાં નજીકમાંથી ઝેરી દવાની બોટલ પણ હતી. આ ઉપરાંત કનુભાઈના મોઢામાંથી સફેદ પ્રવાહી પણ નીકળતુ હોય ચોક્કસ દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ ગજરાબેને તુરંત આસપાસના વ્યક્તિઓની મદદથી કનુભાઈને ખેતરમાંથી બહાર કાઢ્યા હતા અને અન્ય રીક્ષા મારફતે પોતાના ઘરે લાવ્યા હતા. મોટા પુત્ર અને ઘરના અન્ય સભ્યોને જાણ કરતા મફતભાઈએ તુરંત 108 ધ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કનુભાઈ મરણ ગયા હતા. વસો પોલીસને જાણ કરવામાં આવતા વસો પોલીસે પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.પોલીસે મરણજનાર કનુભાઈ પરમારનો મોબાઇલ કબ્જે કર્યો હતો અને બનાવ વાળી જગ્યાએ પહોંચી પંચનામું કર્યુ હતુ. આ દરમિયાન અહીયા હાજર કનુભાઈની રીક્ષામાં સ્ટેરીંગ વાળા ખાનામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં કનુભાઈએ ૧૪ વ્યક્તિઓના નામ જોગ કહ્યું કે આ મારા સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો છે. આ તમામે ‘હુ સમાજ ભેગો કરુ તેમ છતાં મને સમાજમાં લેવાની મંજૂરી આપતા ન હોય અને કમિટી બનાવી ત્રાસ આપી રહ્યા છે, મારા સગાભાઈના દીકરાનુ લગ્ન કર્યુ તોય સમાજવાળાએ ધમકી આપી મારા છોકરાને બોલાયા નહીં એટલી હદ કરી ત્રાસ આપતાં હુ મરી જવાનું પસંદ કરુ છુ, તેવી મારા કુટુંબને જાણ કરુ છુ’ તેમ લખ્યું હતું. જેથી આ સંદર્ભે મરણજનારના મોટાભાઈ મફતભાઈ પરમારે ઉપરોક્ત 14 વ્યક્તિઓ સામે નામજોગ વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

