મહિલાએ બોલવાની ના પાડતા યુવકે ધારીયા વડે હુમલો કરી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચાડી.
નરેશ ગનવાણી નડિયાદ
મહિલાએ બોલવાની ના પાડતા યુવકે ધારીયા વડે હુમલો કરી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચાડી
ગળતેશ્વર તાલુકામાં મહિલાએ યુવક સાથે બોલવાની ના પાડી દેતા યુવકે ધારીયા વડે હુમલો કરી મહિલાના બંને હાથે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટના અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. ગળતેશ્વરના સનાદરા ગામે ૩૩ વર્ષીય પરિણીતા છેલ્લા ૩ વર્ષથી તેના પિતાના ઘરે રહે છે. વર્ષ ૨૦૧૦માં તેણીના લગ્ન થયા હતા. પરંતુ પતિ સાથે અણ બનાવ બન્યો હતો. તે ૩ વર્ષથી પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. જેને લગ્ન જીવન દરમિયાન ૮ વર્ષનો એક પુત્ર પણ છે. તા. ૧૪ ડિસેમ્બરના રોજ તેના ભાભી અને ભત્રીજી સાથે કુદરતી હાજતે જઈ રહી હતી, તે દરમિયાન ગામમાં જ રહેતો ફારૂક પઠાણ નામનો ઈસમ અચાનક ત્યાં આવી અને તુ કેમ મારી સાથે બોલવાની ના પાડે છે. તેમ કહી ધારીયાથી તેણી પર હુમલો કરી દીધો હતો. આ હુમલાથી બચવા પરણિતાએ ડાબો હાથ ઉંચો કરતા ધારીયાનો ઘા હાથ પર વાગ્યો હતો. જેમાં તેણીના હાથનું હાડકુ કપાઈ ગયું હતું અને હાથ ચામડી પર લટકી ગઈ હતી એટલે થી ના અટકતા યુવકે જો હવે મારી સાથે નહીં બોલે તો તારા દીકરા તેમજ તારા પિતાને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. પરિણીતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી સાથે સંબંધ બાંધવા માટે તેના પર હુમલો કરનાર આરોપીના પરિવારે અમે ફરિયાદ ના કરીયે તે માટે મને રૂ.૧૦ લાખની લાલચ આપી હતી. મારી માંગણી છેકે મારી દીકરીને ન્યાય મળે અને આરોપી વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ઝડપથી સજા થાય.