આમંત્રણ પત્રિકા આપવા ગયેલા પાંચ લોકોને અકસ્માત નડ્યો,એકનું મોત,ચાર ઘાયલ.
નરેશ ગનવાણી નડિયાદ
આમંત્રણ પત્રિકા આપવા ગયેલા પાંચ લોકોને અકસ્માત નડ્યો, એકનું મોત, ચાર ઘાયલ
વડોદરા જિલ્લાના એકજ ફળિયાં રહેતા લોકો નવચંડી યજ્ઞની આમંત્રણ પત્રિકા કૂળદેવી ઉમીયા માતાને મહેસાણા ખાતે આપવા ગયેલા પરત આવતી વખતે કારને અકસ્માત નડ્યો છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી પાસે આ અકસ્માત સર્જાયો છે. આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા કારનો ખાલી સાઈડનો ભાગ ટ્રકને અડી જતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં એક વ્યકિતનું કરૂણ મોત નિપજયું છે. જ્યારે કારમાં સવાર 4 લોકો ઘાયલ થયા છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચીત્રાલ ગામે સૈમીલભાઈ હર્ષદભાઈ પટેલ રહે છે. આવતી ૨૪ ડીસેમ્બરના રોજ તેમના ગામમાં નવચંડી છે. નવચંડી યજ્ઞની આમંત્રણ પત્રિકા પહેલી તેમના કુળદેવી માતાને ત્યાં પહોંચાડવા આમંત્રણ પત્રિકા લઈને ગામના અન્ય વ્યક્તિ કારમાં સૈમીલભાઈ તેમજ તેમના ફળિયામાં રહેતા નવીનભાઈ ભીખાભાઈ પટેલ, જગદીશભાઈ ત્રીકમભાઈ પટેલ, મહેશભાઈ અંબાલાલ પટેલ અને વિનોદભાઈ રતિલાલ પટેલ આમ પાંચેય લોકો મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયા માતાના મંદિરે ગયા હતા. સોમવારે વહેલી સવારે તેઓ પોતાના ગામથી નીકળ્યા હતા અને સાંજે પરત આવતા ખેડા જિલ્લાના નડિયાદ નજીક ચકલાસી પાસે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા કારનો ખાલી સાઇડનો ખૂણો ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના ખૂણે અડી જતાં કાર રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો મદદે આવી ગયા હતા. અને કારમાંથી પાંચય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી જગદીશભાઈ ત્રીકમભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય લોકોને શરીર વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.