દાહોદમાં લોકડાઉનના જાહેરનામાના ભંગ બદલ વધુ બે દુકાનોને સીલ કરાતા વેપારી આલમમાં ફફડાટ
ગગન સોની/ધ્રૃવ સોની
દાહોદ, તા.૭
કોરોના મહામારીના કારણે લોકડાઉન અમલમાં છે. દાહોદ શહેર સહીત જિલ્લામાં લોકડાઉનના ચુસ્તપણે અમલવારી માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કકડ હાથે કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ દાહોદ શહેરમાં જિલ્લા સમાહર્તાશ્રીના જાહેરનામા અનુસાર સવારના સાત વાગ્યાથી અગિયાર વાગ્યાં સુધીમાં દૂધ,દવા,કરિયાણું, તેમજ શાકભાજી સહીતની આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે સમય મર્યાદા નિયત કરવામાં આવી છે. અને બપોરના ૧ વાગ્યા થી ૫ વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવા સમયે દાહોદ શહેરના ગૌશાળા શોપિંગ સેન્ટર ખાતે રાજ સ્ટીલ ફર્નિચર તેમજ ભોઈવાડા વિસ્તારમાં ફકરી વાસણ ભંડારના બે લોભિયા વ્યાપારીઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના વેચાણના સમયગાળા દરમિયાન અનાવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાની માહિતી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અતુલ સિંહાને મળતા તેમના માર્ગદર્શનમાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત બંને દુકાનો પર પહોંચી લોકડાઉનના ઉલ્લંઘન બદલ બંને દુકાનોને સીલ મારી દીધી હતી.
હાલ જ્યારે દાહોદમાં એક પછી એક કોરોના મહામારીના કેસો વધવા પામ્યા છે.તેવા સમયે આ વાયરસના સંક્રમણને વધુ વકરતો રોકવા માટે આરોગ્ય તંત્ર, પોલીસતંત્ર, તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સતત કામગીરી કરી કરી રહ્યું છે.તેવા સમયે કેટલાક લોભિયા વ્યાપારીઓ દ્વારા લોકડાઉન દરમિયાન જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા નગરપાલિકાતંત્ર પણ આવા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે.હાલ કોરોના મહામારીને નાથવા જેટલી જવાબદારી આરોગ્યતંત્ર સહીત વહીવટી તંત્રની છે. તેટલી જવાબદારી નગરજનોની પણ છે.આવા કપરા સમયે દાહોદના નગરજનોએ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રને સાથે રહી આ વાયરસને રોકવા મદદરૂપ થાય તે સહુના હિતમાં છે.
#Sindhuuday Dahod