સૂર્યનમસ્કાર કાર્યક્રમ અંતર્ગત નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પણ ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ માટે પસંદગી
સૂર્યનમસ્કાર કાર્યક્રમ અંતર્ગત નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પણ ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ માટે પસંદગી
રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત તા. ૧ જાન્યુઆરી ૨૪ ના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનુ આયોજન સમગ્ર રાજયમાં ૧૦૮ સ્થળો પર થનાર છે. જે ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે. આ ૧૦૮ આઈકોનિક સ્થળો પૈકી નડિયાદનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ પસંદગી પામેલ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે તા. ૧ જાન્યુઆરી ૨૪ના રોજ સવારે ૦૭ કલાક થી ૦૮: ૪૫ કલાક સુધી સુર્યનમસ્કાર માટે કાર્યક્રમ યોજાશે. જેમાં કુલ ૫૦૦ સહભાગીઓ દ્વારા સુર્યનમસ્કાર કરવામાં આવશે. આ સિવાય ઉપરોક્ત દિને સંતરામ મંદિર પરીસર, નડિયાદ ખાતે પણ ૧૦૦ સહભાગીઓ દ્વારા સુર્ય નમસ્કાર કરવામાં આવશે. તા. ૧ જાન્યુઆરી ૨૪ ના રોજ ખેડા જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરિડા ભાગોળ, નડિયાદ અને સંતરામ મંદિર પરિસર, નડિયાદ ખાતે યોજાનાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ સંદર્ભમાં જિલ્લા કલેકટરએ આરોગ્યની સુવિધાઓ, કનેક્ટિવિટી, લાઈવ સ્ટ્રીમીંગ, આમંત્રણ પત્રિકા, સ્થળ વ્યવસ્થાપન, પોલીસ બંદોબસ્ત, બેઠક વ્યવસ્થા, વિદ્યુત પુરવઠો સહિતની બાબતો વિશે સુચારૂ આયોજન કરી સફળ કાર્યક્રમ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું. નોંધનીય છે કે સુર્ય નમસ્કાર કાર્યક્રમ માટે શારદા મંદિર હાઈસ્કુલ, નડિયાદ અને જવાહર વિદ્યાલય, નડિયાદના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરિડા ભાગોળ, નડિયાદ ખાતે તથા શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદ ના વિદ્યાર્થીઓને સંતરામ મંદિર પરીસર, નડિયાદ ખાતે તારીખ ૦૧ જાન્યુઆરી ૨૪ સવારે ૭ કલાકે જે તે શાળાના કો-ઓર્ડિનેટર શિક્ષકો સાથે હાજર રહેશે. આ મિટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણ સિહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

