ડાકોરમા સમસ્યાઓને લઈને રહીશોએ ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો.
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોરમા સમસ્યાઓને લઈને રહીશોએ ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો
ડાકોર નગરમાં પાંચ જેટલી સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી રોડ પર રેલાતા રહિશોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ ન આવતાં આજે રોષે ભરાયેલા રહીશોએ ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો
યાત્રાધામ ડાકોરમાં વોર્ડ નંબર ૭મા દ્વારકેશ સોસાયટી, રણછોડરાય સોસાયટી,હરે કૃષ્ણ સોસાયટી,ભાવિક સોસાયટી અને નારાયણ નગર સહિત સોસાયટીના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઊભરાય છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા સોસાયટીઓના રહીશોને ન છુટકે આવા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. બાળકોને સ્કૂલે લઈ જવા લાવવા હોય કે બજારમાં જવા આવવા માટે રહીશોને ન છુટકે આવા ગટરના ગંદા પાણીને ઓળંગવું પડે છે. આ સંદર્ભે સોસાયટીના રહીશોઓએ અનેક વખત પાલિકામાં રજુઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા સોસાયટીઓના રહીશોએ તંત્રની આંખો ખોલવા ગટરના ગંદા પાણીમાં પલાઠી વાળી બેસી ગયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ એક વર્ષથી આ સમસ્યા છે અને અમે આજે ગટરના ગંદા પાણીમાં બેઠા હતા. ત્યારબાદ મામલતદાર અને ચીફ ઓફિસર દોડી આવ્યા અને બાહીધારી આપી છે. વધુ જણાવ્યું કે આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો પુનઃ આ રીતે બેસીને વિરોધ કરીશું તેમ જણાવ્યું છે. જ્યારે બીજી તરફ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું બ્રિજનું કામ ચાલતું હોવાથી અહીંયા લેવલિંગ બરાબર ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે જો કે અમે ત્વરિત કામગીરી કરી અંદાજિત ત્રણ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવી દઈશું.