દાહોદ ખાતે આદિવાસી સમાજરત્ન સન્માન સમારંભ યોજાયો.
અજય સાંસી
દાહોદ ખાતે આદિવાસી સમાજરત્ન સન્માન સમારંભ યોજાયો.
બિરસા મુંડા ભવન દાહોદ ખાતે આજે તારીખ 31 ડિસેમ્બર, 2023 ના રોજ આદિવાસી સમાજરત્ન સન્માન સમારંભ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી.એમ.પારગીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મંત્રી શ્રી સી.આર. સંગાડાએ સ્વાગત કર્યુ હતુ. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસીઓના શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યલક્ષી વિકાસ અને ઉત્થાન માટે ખૂબ જ ઉમદા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજના વયોવૃદ્ધ અગ્રણીઓ અને સમાજ સેવકો એવા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી લલિતભાઈ પટેલ, પૂર્વ સિવિલ સર્જન ડૉ. મહેન્દ્રકુમાર ડામોર, પૂર્વ શિક્ષક શ્રીમતિ લલીતાબેન વલવાઈનું “આદિવાસી સમાજરત્ન” સન્માનપત્ર, શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. સન્માન પત્રોનું વાંચન પ્રોફેસર હરિપ્રસાદ કામોલ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ રત્નોએ પ્રાસંગિક ઉદબોધનમાં શુભાષિશ પાઠવ્યા હતા અને ભવનની સમાજલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સમાજ રત્ન શ્રીમતિ લલીતાબેન વલવાઈએ તેઓના પ્રકૃતિ વિલિન પતિ નિવૃત્ત ડી.વાય.એસ.પી. સ્વ. બબલભાઇ વલવાઈના નામે ભવનને 100111 (એક લાખ એક સો અગિયાર )રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત પ્રકૃતિ વિલિન અન્ય પરિવારજનોના નામે દાન આપ્યું હતું. કુલ મળીને તેઓએ દાહોદ ભવનને 274555 રૂપિયાનું દાન આપ્યું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે ભારત આદિવાસી પાર્ટીના નવ નિયુક્ત રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રાજુભાઇ વલવાઈનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. લગ્નમાં ખોટા ખર્ચા અટકાવવા માટે જાગૃતિ રથ લઈને ગામે ગામ ફરી રહેલા શ્રી પ્રવીણભાઈ પારગી અને શ્રી એફ.બી. વહોનીયાનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. દાહોદ ખાતેથી અન્ય બીજા પ્રચાર રથને પણ પ્રસ્થાન કરાવવા માટે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ભીલ સેવા મંડળ, ભીલ સમાજ સુધારણા મંડળ, ભીલ સમાજ સેવા ટ્રસ્ટ, જીવન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, જન્મભૂમિ ફાઉન્ડેશન જેવા સંગઠનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ભીલ સમાજ પંચની રચના કરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. શ્રી રાજુભાઇ વસૈયાએ આગામી મહીને ભવન દ્વારા ત્રણ જિલ્લાના આદિવાસી યુવાઓ માટે યોજાનાર જયપાલસિંહ મુંડા આદિવાસી રમતોત્સવ અંગે જાણકારી આપી હતી. અધ્યક્ષ શ્રી વી.એમ.પારગીએ સમાજના સર્વાંગી વિકાસ અને જાગૃતિ માટે સમાજ રત્નોએ ચીંધેલા માર્ગે આગળ વધવા હાકલ કરી હતી. વધુમાં વધુ લોકોને સામેલ કરવા માટે જણાવ્યું હતું. ગૌરવશાળી ઇતિહાસનું જ્ઞાન નવી પેઢીને આપવા જણાવ્યુ હતુ. ભીલ સમાજ પંચની રચના અંગે માર્ગદર્શન આપ્યું હતુ. અંતમાં આભાર દર્શન પ્રોફેસર મનીષભાઈ ચારેલ દ્વારા કરવામાં આવ્યું હતું.