મુવાડા ચેકપોસ્ટ પાસે કારમાં સવાર બે લોકો પાસેથી એક દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ
મુવાડા ચેકપોસ્ટ પાસે કારમાં સવાર બે લોકો પાસેથી એક દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા
ખેડા જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લા પોલીસને ચેકીંગ દરમ્યાન ગઇ કાલે રાત્રે સેવાલીયા પોલીસે ગોધરા તરફથી આવતી કારને મહારાજના નવા મુવાડા ચેકપોસ્ટ પાસે ઉભા રાખી કારમાં સવાર બે લોકો પાસેથી એક દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત એક રૂમાલમાં બાંધેલા સોનાની બંગડીઓ, વીટી અને ચાંદીનું કડુ તેમજ રોકડ રૂપિયા મળી આવતા પોલીસે કુલ રૂપિયા ૯.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.૩૧મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે સેવાલિયા પોલીસ મહારાજાના મુવાડા પાસે નવી ચેકપોસ્ટ પર અમદાવાદ ઈન્દોર હાઇવે પર વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી ફોર વ્હીલ કારને શંકાના આધારે ઉભી રાખી તે કારમાં સવાર બે વ્યક્તિઓની પોલીસે પૂછપરછ કરતાં બંને વ્યક્તિઓ પોતાના નામ પ્રશાંત રજનીકાંત પાલરેચા અને અક્ષય કૈલાશ પાટીદાર (બંન્ને રહે.જાબુઆ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતા બંને ઈસમોની તલાસી લેતાં પ્રશાંતના ખિસ્સામાંથી એક દેશી પિસ્તોલ કિંમત રૂપિયા ૧૦ હજાર અને અક્ષયના ખિસ્સામાંથી નવ નંગ જીવતા કારતુસ કિંમત રૂપિયા ૪ હજાર ૫૦૦ મળી આવ્યા હતા. કારની તલાસી લેતાં રૂમાલમાં સોનાની બંગડીઓ નંગ ૬, સોનાની વીંટી નંગ ૨, ચાંદીનું કાળુ નંગ અને રોકડ રૂપિયા ૩૦ હજાર તેમજ ત્રણ નંગ મોબાઈલ મળી અને સાથે ગુનામાં વપરાયેલ કાર મળી કુલ રૂપિયા ૯ લાખ ૩૬ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ બંને ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.