લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ જિલ્લા કક્ષાનું ઈ.વી.એમ. વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લુ મુકાયુ.
નરેશ ગનવાણી નડિયાદ
લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ જિલ્લા કક્ષાનું ઈ.વી.એમ. વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખુલ્લુ મુકાયુ
આગામી ટુંક સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી -ર૦ર૪ યોજાનાર છે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈ.વી.એમ. / વીવીપેટની ફર્સ્ટલેવલ ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને લોકસભા ચૂંટણી લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે હેતુસર ખેડા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનું ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્ર જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ નિવાસી અધિક કલેકટર બી.કે.જોષી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે પણ ઈ.વી.એમ. – વીવીપેટ નિદર્શન કેન્દ્રો આજથી ખુલ્લા મુકવામાં આવશે. તેમજ જિલ્લામાં કુલ-૧ર મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન મારફતે આગામી બે માસ સુધી પણ જિલ્લાના દરેક ગામ – શહેરી વિસ્તારોમાં ઈ.વી.એમ. – વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. જે દરમ્યાન દરેક મતદાર પોતાનો મત નાખી ઈ.વી.એમ. – વીવીપેટ મશીન યોગ્ય રીતે કામ કરે છે. તેની ખાત્રી કરી શકશે ઈ.વી.એમ. – વીવીપેટના નિદર્શન દ્વારા યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈ.વી.એમ. – વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તેમજ લોકો વધુને વધુ મતદાન કરવા તરફ પ્રેરાય તેમજ લોકશાહીનું સશકિતકરણ થાય તે હેતુથી આ ઈ.વી.એમ. / વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેનો સર્વે મતદારો વધુને વધુ લાભ લે, તેમ અધિક નિવાસી કલેકટર બી.કે.જોષીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક કલેકટર શ્રી બી.કે.જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, પ્રાંત અધિકારી કે.એસ.સુવેરા, મામલતદાર નડીઆદ(શહેર) અને (ગ્રામ્ય) તથા કલેકટર કચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા.