કઠલાલમા ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ.
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલમા ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ
કઠલાલની હોસ્પિટલના ટેરેસ પર મૂકેલી પાણીની ટાંકીમાંથી અઢી વર્ષના બાળકનો મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. પોલીસ દ્વારા મૃતક બાળકની ઓળખ કરી લેવામાં આવી છે અને બાળકના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કઠલાલની મંગલા ક્લીનીક હોસ્પિટલના ટેરેસ પર મૂકેલી પાણીની ટાંકીમાંથી આજે ભારે દુર્ગંધ આવતી હોવાથી ડોક્ટર દ્વારા તપાસ કરતા ટાંકીમાં એક અઢી વર્ષીય બાળકનો મૃતદેહ નજરે પડ્યો હતો. ડોક્ટરે કઠલાલ પોલીસને જાણ કરતા કઠલાલ પોલીસે ઘટના સ્થળે જઈ પાણીની ટાંકીમાંથી અઢી વર્ષીય બાળકની લાશ બહાર કાઢી તેની ઓળખ મેળવી હતી. પોલીસસૂત્રો મળતી માહિતી મુજબ બે દિવસથી આ અઢી વર્ષનો બાળક લાપતા હોવાની માહિતી પોલીસમાં હોય પોલીસે આ ગુમ થયેલ બાળકના વાલીને બોલાવીને લાશ બતાવતા તેમણે લાશ ઓળખી કાઢી હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પીએસઆઇ ભીમાણીને પુછતાં તેઓએ જણાવ્યું હતુ કે કઠલાલ પ્રોપરમા શ્રમજીવી પરિવારનો આ બાળક રહે છે. પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અઢી વર્ષના બાળકના મોતનું કારણ અકસ્માત છે કે અન્ય તે અંગે અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા છીએ.