કપડવંજ તાલુકામાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરી કરી ફરાર.
કપડવંજ તાલુકામાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરી કરી ફરાર થઇ ગયા
કપડવંજના તોરણા ગામે તસ્કરોએ બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો છે. મકાન માલિક યુવાન પોતાની દાદી સાથે પોતાની સગાઈ બાબતે અમદાવાદ રહેતા સગાવાલાને ત્યાં ગયા અને તસ્કરોએ સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ બનાવ મામલે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કપડવંજ તાલુકાના તોરણા ગામે રહેતા 19 વર્ષીય અલ્પેશ ઉર્ફે સચિન મહેશભાઈ હરીજન જે અમદાવાદમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. અલ્પેશભાઈ ૧૭મી જાન્યુઆરીના રોજ પોતાની દાદી બાલુબેન સાથે પોતાના અમદાવાદ સ્થિત આવેલ સગાવાલાને ત્યાં ગયા હતા. જોકે રાત્રે રોકાણ અલ્પેશભાઈ અને તેમની દાદી પોતાના સગાવાલાને ત્યાં કર્યું હતું. અને ઉપરોક્ત ઠેકાણે પોતાની વિધવા માતા એકલી હતી તેણીની પોતાનું આ મકાન બંધ કરી નજીક પોતાના દિયરના ઘરે સુવા ગઈ હતી. આ દરમિયાન તસ્કરોએ તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. વહેલી સવારે અલ્પેશભાઈની માતા પોતાના ઘરે આવતા ઘરમાં સરસામાન વિખરેલી હાલતમાં હતો. જે જોઈ પોતાના પુત્ર અલ્પેશભાઈને ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. અલ્પેશભાઈ તરતજ અમદાવાદથી પોતાના ઘરે આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ તપાસ કરતા ઉપરોક્ત તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના પૈકી ચાંદીના કડલા એક નંગ તથા સોનાનું કળું તથા સોનાનું લોકેટ તેમજ ચાંદીની પાયલ અને સોનાની વિટીયો ત્રણ નંગ તેમજ એક સોનાનો દોરો મળી કુલ રૂપિયા ૮૫ હજારના મતાના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

