મંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરી ખેડુતોને પ્રોત્સાહન પુરુ પાડ્યુ.
નરેશ ગનવાણી નડિયાદ
મંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરી ખેડુતોને પ્રોત્સાહન પુરુ પાડ્યુ
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત-પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી. મંત્રીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ખેતપેદાશો જેમ કે રીંગણ, પાપડી અને ઘી ની ખરીદી કરી ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જે તેમણે ખેડુતો સાથે પ્રાકૃતિક ખેતી સંબધિત બાબતો પર ચર્ચા કરી ખેડુતોને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શરૂ કરેલ પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ અને રાજ્ય સરકારની ખેડુત કલ્યાણ લક્ષી યોજનાઓને લીધે આજે પાકૃતિક ખેતીના ફાયદાઓથી સામાન્ય લોકો જાગૃત થયા છે. મંત્રીએ કહ્યુ હતુ કે ખેડા જિલ્લામાં આજે 1.15 લાખથી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં શરૂ થયેલ પ્રાકૃતિક કૃષિ ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સરળતાથી પોતાની ખેતપેદાશોનુ વેચાણ કરી સારી આવક કમાતા થયા છે. વધૂમાં મંત્રીએ રાસાયણિક ખેતીના નુકશાન વિશે વાત કરી જિલ્લાનાં નાગરીકોને પ્રાકૃતિક કૃષિ આધારિત ચીજવસ્તુઓના ઉપયોગ માટે અપીલ કરી હતી. આ પ્રસંગે સણાલી ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત પરબતસિંહ દલપતસિંહ સોઢાએ જણાવ્યુ હતુ કે પહેલા તેમને યોગ્ય માર્કેટના અભાવે પોતાની ચીજવસ્તુઓનુ વેચાણ કરવામાં તકલીફ પડતી હતી. પરંતુ હવે પ્રાકૃતિક કૃષિ હાટની મદદથી તેઓને નિયમિત બજાર અને ગ્રાહકો મળતા તેમની ચીજવસ્તુઓનું વેચાણ અને આવક વધી છે. આ અવસરે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, નડિયાદ પ્રાંત અધિકારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.