નડિયાદ ખેડા જિલ્લા ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ખેડા જિલ્લા ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ,
નાગરિકોનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ધ્વજવંદન કરી સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કલેકટર કે.એલ. બચાણી દ્વારા પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને સંબોધતા જણાવ્યું કે, નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આપણા રાજ્યની બહેનો અને મહિલાઓ પણ સુશાસનમાં તેમનુ યોગદાન આપી શકે તે માટે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ૫૦ ટકા આરક્ષણ અને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણનો પરિણામલક્ષી અમલ કરાવ્યો છે. ઉદ્યોગ સાહસિકતાની વાત કરતા કલેકટરએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. અને રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતીમેળાનું આયોજન થાય છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ આર્થિક, રાજકીય, સામાજિક અને ટેકનોલોજીની વ્યવસ્થાઓમાં આમૂલ પરિવર્તનો આવ્યા છેસાથોસાથ કલેકટરએ ખેડા જિલ્લાના વિકાસના કામો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિકાસ અને પ્રગતિ માટે કલેકટરએ નિવાસી અધિક કલેકટર ભરત જોષીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. તથા પોલીસ જવાનો દ્વારા અશ્વ શો અને ડોગ શો તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામા આવ્યા હતા. તેમજ કલેકટરશ્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ ક્ષેત્રોએ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ૧૪ લોકોનું સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકરી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, મદદનીશ કલેક્ટર ડો.અંચુ વિલ્સન, અધિક નિવાસી કલેક્ટરશ્રી ભરત જોષી, સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.