લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિને આજે દાહોદમાં વધુ બે કેસ કોરોના પોઝીટીવ : એક્ટિવ કેસ 6 : કુલ કેસ 22
અનવર ખાન પઠાણ
દાહોદ તા.૧૭
દાહોદમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સળંગ બે દિવસમાં ચાર દર્દીઓનો સમાવેશ થતા હવે કોરોના પોઝિટિવ નો આંકડો 6 પર પહોંચ્યો છે. કુલ કેસોની વાત કરીએ તો આંકડો 22 પર પહોંચી જવા પામ્યો છે. આજના બે દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાંથી એક દાહોદ કસ્બા વિસ્તારનો 27 વર્ષીય યુવક અને દાહોદના વણકરવાસની 45 વર્ષીય મહિલા હોવાનું જાણવા મળ્યું છે.
Lockdownના ત્રીજા ચરણના અંતિમ દિવસે આજે એકસાથે બે દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ટીમોમાં દોડધામના દ્રશ્યો સર્જાયા છે. ગઇકાલે પણ વધુ બે દર્દીઓ સામે આવ્યા હતા. હર હંમેશની જેમ lockdown જ્યારે પૂરું થવાનું હોય તેના અંતિમ દિવસે જ દાહોદમાં કોરોના પોઝિટિવનો આંકડો જોવા મળે છે. અગાઉની માફક આજે પણ કાંઈક આવું જ થયું છે. Lockdown ના ત્રીજા તબક્કાના અંતિમ બે દિવસોમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થયો છે. દાહોદમાં આજે 190 વ્યક્તિઓના સેમ્પલ રિપોર્ટો આરોગ્ય તંત્ર પાસે આવ્યા હતા જેમાંથી ૧૮૮ વ્યક્તિઓના રિપોર્ટો નેગેટીવ આવ્યા છે અને બે દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જે પૈકી એક 27 વર્ષીય યુવક રિયાઝુદ્દીન કાઝી (રહેવાસી કસ્બા દાહોદ) જે ૪થી મેના રોજ મુંબઈ થી દાહોદ આવ્યો હતો. આ યુવક મુંબઈ થી આવ્યો અને તરત જ તેને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો અને આજરોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવકને હાલ દાહોદ રેલવે હોસ્પિટલમાં કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યો છે જ્યારે કોરોનાના બીજા એક મહિલા દર્દી નફીસા પઠાણ (ઉંમર વર્ષ 45, રહેવાસી વણકરવાસ દાહોદ) નો પણ કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આ મહિલા દર્દીને લીમખેડા ખાતે કોરેન્ટાઈન ફેસીલીટી હેઠળ રાખવામાં આવેલ હોવાનું સત્તાવાર અહેવાલ પ્રમાણે જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલ એટલે કે તારીખ ૧૮મી મેના રોજથી lockdown 4 નો પ્રારંભ થનાર છે ત્યારે તેના બે દિવસ પહેલા જ એક સાથે ચાર કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થતા હવે lockdown 4 માં દાહોદ શહેર સહિત જિલ્લા વાસીઓને કેટલીક છૂટછાટો મળશે? તેની જિલ્લાવાસીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

