ઝાલોદ બસ સ્ટેન્ડની અંદર સી.સી.ટી.વી કેમેરાના અભાવે ચોરીના વધતા બનાવો : દાહોદ જતી મહિલા ચોરીનો ભોગ બની.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ બસ સ્ટેન્ડની અંદર સી.સી.ટી.વી કેમેરાના અભાવે ચોરીના વધતા બનાવો : દાહોદ જતી મહિલા ચોરીનો ભોગ બની
ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર સી.સી.ટી.વી કેમેરા છે તો ખરા પણ આખાં બસ સ્ટેશન વિસ્તારને કવર નથી કરી શકવાના લીધે ચોરોને મોકળું મેદાન મળેલ હોય તેમ લાગી રહેલ છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા બધાં વિસ્તારને કવર ન કરી શકતા ચોરો પોતાનું કૌવત અજમાવવામાં સફળ થતાં જોવા મળે છે. નાની નાની ચોરી કે કોઈ પર્સ ચોરાવાની ઘટના અવાર નવાર બનતી જોવા મળે છે પણ નાની રકમ હોય તો ફક્ત ચોરીનો ભોગ બનનાર વ્યક્તિ મૌખિક રીતે ડેપો મેનેજરની ઓફિસ પર આપવીતી કહી જતી રહે છે.
ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલિસ ચોકી મુકવામાં આવેલ છે પરંતુ પોલિસ ચોકીનો ઉપયોગ ફક્ત અહીંયાં ફરજ બજાવનાર પોલિસ કર્મચારી હાજરી પુરાવા જ કરી રહ્યા છે તેવું લોકમુખે વિસ્તારમાં ચર્ચાઈ રહેલ છે. અમુક લોકો તો વાતો કરતા એટલે સીધી કહે છે કે બસ સ્ટેન્ડ અંદર ફરજ બજાવતા પોલિસ કર્મચારીઓ બસમાં ચઢતા મુસાફરો પર કે અવરજવર કરતા અજાણ્યા લોકો પર કોઈ ધ્યાન આપતા નથી તેથી ચોરીના બનાવ વધુ બને છે. પોલિસ કર્મચારી જો સતર્ક ભૂમિકા ભજવે તો ચોરી થવી સંભવ નથી તેમજ કાયમ બસ સ્ટેન્ડની અંદર અવરજવર કરતા અજાણ્યા લોકો પર સકંજો કસવામા આવે તો ચોક્કસ મુસાફરો સાથે થતી ચોરીની ઘટના નિવારી શકાય છે.
ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં અંદાજીત બપોરે એક વાગ્યાના અરસામાં એક મહિલા દાહોદ જવા ઉભેલ હતી તે દરમ્યાન તે મહિલા ચોરીનો ભોગ બની હતી. સાંભળવા મળવાં મુજબ તે મહિલા પાસે થી કુલ 150000 રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હતો. આ મહિલા પાસેથી કેવી રીતે શું ઘટના બની તે હજુ જાણી શકાયુ નથી. પણ ચોરીની ઘટના બનતા પોલિસ તાત્કાલીક ઘટના સ્થળે આવી ગઈ હતી અને તાત્કાલિક સી.સી.ટી.વી કેમેરા તેમજ અન્ય સોર્સ દ્વારા આગળની તપાસ હાથ ધરી હતી.