ખેડાના મહીજ ગામે બે હત્યારાઓએ વૃદ્ધને માથામાં લાકડી ફટકારતાં મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડાના મહીજ ગામે બે હત્યારાઓએ વૃદ્ધને માથામાં લાકડી ફટકારતાં મોત નિપજ્યું છે
એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ઘરમાં ઘૂસી વૃધ્ધને લાકડી મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ મામલે બે લોકો સામે ખેડા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો છે. ખેડા તાલુકાના મહીજ ગામે તળાવ પર રહેતા શનાભાઈ શકરાભાઈ રાવળ ગત ૨૭મી જાન્યુઆરીના રોજ રાત્રે પોતાના ઘરે સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ તેમના ઘરે ‘વિનુ વિનુ એમ બુમો પાડતા શનાભાઈ અને તેમના પુત્ર વિનુભાઈ ઊંઘમાંથી જાગી ગયા હતા અને શનાભાઈ ઘરના ઓસરીમાંથી બહાર આવી કોણ છે ? તેમ કહેતા ગામના મહેશભાઈ રાવળે એકાએક લાકડી શનાભાઈના માથામાં મારી નાસી ગયા હતો. મધરાતે ચિસાચીસ થતાં શનાભાઈની પત્ની તેમજ તેમનો પુત્ર વિનુ દોડી આવ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા શનાભાઈને તુરંત સારવાર અર્થે બારેજાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે ટૂંકી સારવાર દરમિયાન શનાભાઈ રાવળનુ મોત નિપજ્યું હતું. એક્ટિવા પર આવેલ એક ઈસમ અને પાછળ બેઠેલ ગામના મહેશભાઈ રાવળ ભાગતા જોયા હતા. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર વિનુભાઈ રાવળે ઉપરોક્ત હત્યારા મહેશ રાવળ અને એક અજાણ્યા એક્ટિવા ચાલક એમ બે સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે ખેતરમાં પાણી લાવવા બાબતે અગાઉના ઝઘડાઓની રીસ રાખી પૂર્વઆયોજિત કાવતરૂ ઘડી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.