શિક્ષણ શૈલીમાં સામાન્ય પરિવર્તનથી આદર્શ નિવાસી શાળાનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું : ગત્ત વર્ષે માત્ર ૫૩ ટકા સામે આ વર્ષે સારા પરિણામ શિક્ષકો અને છાત્રોના મહેનતનું પરિણામ
દાહોદ, તા.૧૮
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત દાહોદની આદર્શ નિવાસી કુમાર શાળાનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે. ગત્ત વર્ષના ૫૩.૮૪ ટકા પરિણામની સાપેક્ષે આ વર્ષનું આ ઊંચુ પરિણામ શાળામાં શિક્ષણ પદ્ધતિ ફેરફાર કરવાના પરિણામે આવ્યું છે. આ શાળામાં અભ્યાસ કરતા ૧૬માંથી ૧૫ છાત્રો સારા ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા છે. છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ આવ્યું છે. વર્ષ ૨૦૧૦માં ૮૦ ટકા પરિણામ આવ્યું હતું.
તત્કાલીન આસીસ્ટન્ટ કમિશનર વિશ્વદીપસિંહ ગોહિલે પ્રથમ કોઇ એક આદર્શ નિવાસી શાળાને મોડેલ તરીકે વિકસાવવાનો નિર્ણય કરી સત્રના પ્રારંભે આ શાળાની મુલાકાત લીધી અને તેમણે જોયું કે એક તાસ પોણો કલાક ચાલે છે. તેના કારણે છાત્રને કોઇ વિષયમાં સમજ આવવાની થાય ત્યાં તો તાસ પૂર્ણ થઇ જતો હતો. એટલે આ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કર્યો.
શાળામાં એક તાસમાં ૪૫ મિનિટને બદલે બે કલાક છાત્રોને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું. એટલે કે, વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે ગણીત, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવ વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ એકાંતરા તાસ ચાલે અને એક વીકમાં કલાક અભ્યાસ થાય. બે કલાકના તાસ બાદ જે વિષય ચાલ્યો હોય એ જ વિષયની પરીક્ષા લેવામાં આવે. એ પણ બોર્ડની પદ્ધતિ આધારે ! બાકીના કલાકોમાં વાંચન !
શરૂઆતમાં શિક્ષકો સાથે સતત મિટિંગ કરવામાં આવી અને શિક્ષકોને સમજ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જી. કે. કળમી સહિત શિક્ષકો પણ આ રીતે અભ્યાસ કરવા માટે ઉત્સાહભેર તૈયાર થઇ ગયા. સાથે, એવું પણ નક્કી કરવામાં આવ્યું કે, બાળકને ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો તે વિષય તે બાળકને ફરી અભ્યાસ કરાવવામાં આવે. કારણ કે, ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાનું કારણ એ હોય છે કે બાળકને જે તે વિષય કે પાઠમાં સમજ નથી પડી.
વળી, ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ત્રણ મિટિંગો કરી. તેમને છાત્રોમાં રાઇટ બેઝ એપ્રોચ વિકસાવ્યો. જેવી બાળકો અને શિક્ષકો વચ્ચે અંતર ઘટ્યું. આમ થવાથી બાળકો પણ પોતાને જ્યાં સમજ ના પડે તે બાબતે શિક્ષકોનો સંપર્ક સહજતાથી સાધતો થયો.
આમ, સતત દેખરેખના કારણે ગત વર્ષે આ શાળામાંથી ૨૬માંથી માત્ર ૧૪ જ છાત્રો પાસ થવા પામ્યા હતા, તેના બદલે આ વર્ષે ૧૬માંથી ૧૫ છાત્રો સારા ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા છે.
#Sindhuuday Dahod