રખડતા ઢોરો તેમજ ટ્રાફિક જેવી અનેક સમસ્યાઓમાં થી દાહોદ વાસીઓને છુટકારો અપાવવામાં દાહોદ પાલિકાના આ સત્તાધીશો પણ પાંગળા પુરવાર થયા
દાહોદ નગરપાલિકાના હાલના સત્તાધિશોની કામગીરી જોતા અનેક સમસ્યાઓથી ઘેરાયેલા દાહોદ નગર ને તે સમસ્યાઓ માંથી ક્યારે છુટકારો મળશે તે કહેવું હાલના તબક્કે ઘણું અઘરું લાગી રહ્યું છે. વાયદા અને વચનો આપવામાં પાવરધા આ સત્તાધીશો નગરજનોને માત્ર હથેળીમાં જ વિકાસનો ચાંદ બતાવી રહ્યા છે. દાહોદ શહેરના લોકો વર્ષોથી રખડતા ઢોરોની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં પાલિકામાં કેટલાય શાસન કરતાઓ આવ્યા અને ગયા પરંતુ કોઈ માઈના લાલે દાહોદ વાસીઓને આ સમસ્યા માંથી છુટકારો અપાવવાની કોશિશ સુદ્ધા કરી નથી. અને આ મામલે માત્ર ને માત્ર વાતોના પુલાવ પકવ્યા છે. જેના કારણે આજે પણ દાહોદવાસીયો મૂંગા મોઢે રખડતા ઢોરોનો ત્રાસ વેઠી રહ્યા છે. અને હવે તો શહેરમાં છાસવારે આખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ આખલા યુદ્ધમાં અનેક વાહનોનો ખુડદો બોલાતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વર્ષોથી આ સમસ્યાને નાથવાના પ્રયાસો કરવામાં આવતા હોવાની મોટી મોટી ગુલબાંગો પ્રમુખ પદ નસીન મહાનુભાવો પોકારી રહ્યા છે. પરંતુ તેમની આ ગુલબાંગો અત્યાર સુધી તો તેઓના ભાષણો સુધી જ સીમિત રહી જવા પામી છે. દાહોદ શહેરમાં કોર્ટ રોડ ઉપર ભૂતકાળમાં વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પુરવા માટેનો એક ડબ્બો બનાવવામાં આવ્યો હતો.જેમા રખડતા ઢોરોને પકડી તેમાં પૂરીને તેનો નિભાવ ખર્ચ જે તે ઢોર માલિક પાસેથી વસૂલવામાં આવતો હતો. અને આ વહીવટ તે સમયે ખૂબ જ સારી રીતે ચાલતો હતો. અને દાહોદ વાસીઓને આ સમસ્યામાંથી તે વખતે ખરેખર છુટકારો મળ્યો હતો. પરંતુ કેટલાક વરસો પહેલા આ જ નગરપાલિકાના જે તે સમયના તથા દિવસોએ રખડતા ઢોરોને પકડી ને પુરવાનો તે ડબ્બો તોડી નાખી તે જગ્યાએ સિમેન્ટના જંગલ ખડા કરી આવક ઊભી કરી નગરજનો માટે રખડતા ઢોરોની સમસ્યા કાયમ માટે ઊભી કરી દેતા દાહોદ વાસીઓ તે સમસ્યા આજ દિન સુધી વેઠી રહ્યા છે. રખડતા ઢોરોની સમસ્યામાંથી દાહોદને મુક્ત કરવા માટે પ્રયાસો કરવાની માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરનારા પાલિકાના આ સત્તાધીશોએ જમીની કામગીરી ચોક્કસ પણે કરવી પડશે તે નક્કર વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે હાલની તેઓની કામગીરી જોતા રખડતા ઢોરોના ત્રાસ માંથી દાહોદ વાસીઓને ક્યારેય છૂટકારો મળશે તે કહેવું હાલના તબક્કે ઘણું અઘરું છે હાલ દાહોદ પાલિકામાં પ્રમુખ પદે બિરાજમાન નીરજ દેસાઈ પાલિકાના વહીવટમાં ખૂબ જ કુશળ અનુભવી તેમજ ઠીમર છે. જ્યારે તેઓએ પ્રમુખ પદનો ભાર સંભાળ્યો હતો તે વખતે દાહોદના નગરજનોએ દાહોદના વિકાસની ખૂબ મોટી મોટી આશાઓ રાખી હતી. પરંતુ તે આશાઓ હાલ નઠારી સાબિત થતી જોવા મળી રહી છે. પાલિકાના હાલના સત્તાધિશો પૈકીના આંગળીના વેઢે ગણાય એટલા જ સુધરાઈ સભ્યો નૈતિકતાપૂર્વક પોતાની ફરજ અદા કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે બાકીના તો ખુરશી પર બોજ બનીને બેઠેલા જ જોવા મળી રહ્યા છે. આ વખતે સફાઈના મામલે સત્તાધીશો દ્વારા દુર્લક્ષતા સેવાતા દાહોદ પાલિકાને સ્વચ્છતા ની સ્પર્ધામાં ધોબી પછડાટ મળતા ચોથા નંબર પરથી આઠમા નંબર પર ધકેલાઈ ગઈ હતી. જે સ્માર્ટ દાહોદ માટે મોટી કમનસીબી કહેવાય