જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરના લોકડાઉન-૪ના પરિપાલન અંગે સ્પષ્ટ નિર્દેશો દાહોદમાં રાત્રે ઘર બહાર નીકળશો તો સવાર પોલીસ સ્ટેશનમાં પડશે
જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરના લોકડાઉન-૪ના પરિપાલન અંગે સ્પષ્ટ નિર્દેશો
દાહોદમાં રાત્રે ઘર બહાર નીકળશો
તો સવાર પોલીસ સ્ટેશનમાં પડશે
૦૦૦
સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજે સાતથી સવારના સાત
વાગ્યા સુધી સંચારબંધીનો કડક અમલ કરાવાશે
૦૦૦
વેપારીઓ સ્વયંશિસ્ત દાખવી સામાજિક અંતર અને સેનિટાઇટેશનના નિયમોનું પાલન કરી સલામતી સાથે વેપાર કરે
૦૦૦
બાઇક ઉપર બિનજરૂરી રીતે ડબલ સવારી નિકળનારા સામે પણ કાર્યવાહી કરાશે, નાગરિકો પોલીસને સહકાર આપે
૦૦૦
દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે લોકડાઉનના ચોથા તબક્કાના પરિપાલન અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી સંચારબંધી એટલે કે, કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવશે. માત્ર મેડિકલ ઇમર્જન્સી અને જીવનજરૂરી બાબતોને આ આ સંચારબંધીમાંથી મુક્તિ મળશે.
ગઇ કાલ સોમવારે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન – ૪માં હળવા કરેલા નિયંત્રણો સાથે કેટલીક માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. તે બાબતનો ઉલ્લેખ કરતા એસપી શ્રી જોયસરે કહ્યું કે, અત્યાર સુધીના લોકડાઉનના ત્રણેય તબક્કામાં નાગરિકોનો સહયોગ મળ્યો છે. તે દાહોદની જનતાનો હું સમગ્ર પોલીસ તંત્ર વતી આભાર માનું છે. હવે, જ્યારે સરકાર દ્વારા લોકડાઉન હળવું કરી જરૂરી નિયમો સાથે વેપારવાણિજ્યની પ્રવૃત્તિ શરૂ કરવા મંજૂરી આપી છે, ત્યારે વેપારીઓ સ્વયંશિસ્ત રાખી વેપાર કરે એ જરૂરી છે.
તેમણે એસએમએસ એટલે કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝ ઉપર ભાર મુકતા કહ્યું કે હવે એસએમએસને આપણે આપણા જીવનનો ભાગ બનાવી લેવો પડશે. ધંધા કે વ્યવસાયના સ્થળે બિનજરૂરી ભીડ ના થાય એ જોવાનું રહેશે. વેપારીઓએ સામાજિક અંતરનું પાલન કરાવવાનું રહેશે. વ્યવસાયના સ્થળે સેનિટાઇટેશનની વ્યવસ્થા ખાસ કરાવવાની રહેશે. કોરોના વાયરસ સાથે આપણે જીવન જીવતા શીખી જવું પડશે. તેની સામે સાવચેતી એ જ સલામતી છે. સલામતી સાથે વેપારિક પ્રવૃત્તિ થાય એ સૌના હિતમાં છે.
તેમણે કહ્યું કે, દાહોદમાં બિનજરૂરી રીત ડબલ સવારીમાં નીકળતા બાઇક ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે રાજ્ય સરકાર દ્વારા ફોર વ્હિલ વાહનોમાં ડ્રાઇવર સહિત માત્ર ત્રણ વ્યક્તિ જ મુસાફરી કરી શકે છે. આ નિયમોનો ભંગ કરનારી વ્યક્તિ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી જોયસરે ફરી અપીલ કરતા જણાવ્યું કે, બહારના જિલ્લા કે રાજ્યમાંથી આવતી વ્યક્તિએ પોતાના આગમનની જાણ કરવી ફરજિયાત છે. આવા વ્યક્તિ સામેથી આરોગ્ય તંત્ર કે પોલીસનો સંપર્ક કરે. બહારના વ્યક્તિના આગમન બાબતે કોઇ પણ નાગરિક જાણ કરી શકે છે.
#Sindhuuday Dahod

