આરોપીને જામીન પર મુક્ત કરાવવા ૧૦,૦૦૦ની લાંચ લેતા બે ઝડપાયા.

અજય સાસી

આરોપીને જામીન પર મુક્ત કરાવવા ૧૦,૦૦૦ની લાંચ લેતા જમાદાર સહિત બે ઝડપાયા

પોલીસ તંત્રમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. પરંતુ જાગૃત નાગરિકો હવે ફરિયાદ કરતા થયા હોવાના
કારણે અનેક અધિકારીઓ અને કર્મચારીઓને હવે જેલના સળિયા ગણવાની નોબત આવી છે. ત્યારે દાહોદ તાલુકા પોલીસ મથકના એએસઆઇ અને તેમને મદદ કરનાર પટાવાળા રૂા. ૧૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. લાંચ રૂશ્વત વિરોધીશાખાના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દાહોદ તાલુકાના એક ગામમાં રહેતા યુવાન અને તેના ભાઇ સામે તેની સગી ભાભીએ પોલીસ મથકમાં અરજી કરી હતી. જે અરજીની તપાસ એએસઆઇ નારણભાઇ રસુલભાઇ સંગાડા કરતા હતા. અરજીની તપાસ દરમિયાન બન્ને ભાઇઓના તેમણે જામીન લેવડાવ્યા હતા. આ જામીન મંજૂર કરાવવા માટે એએસઆઇ નારણભાઇ સંગાડાએ ૧૦ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા નહીં માંગતા યુવાને આ અંગેની જાણ લાંચ રૂશ્વત વિરોધી શાખાના ટોલફ્રી નંબર ૧૦૬૪ ઉપર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે ગાંધીનગરના મદદનીશ નિયામક એ.કે. પરમારની સુચનાથી ગાંધીનગર લાંચ રૂશ્વત વિરોધી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે દાહોદ તાલુકા પોલીસ મથકે લાંચ આપવા માટે પહોંચેલા યુવાનને એએસઆઇનારણભાઇ સંગાડાએ રકમ પટાવાળા તરીકે ફરજ બજાવતા કનુભાઇ રાવજીભાઇ રાવતને આપી દેવાનું જણાવતા કનુભાઇએ લાંચની રકમ સ્વીકારી હતી. જેને પગલેલાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ એએસઆઇ નારણભાઇ સંગાડા અને પટાવાળા કનુભાઇ રાવત બન્નેની અટકાયત કરી તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ મથકમાં જ લાંચનું છટકું ગોઠવાતા પોલીસ તંત્રમાં નાસભાગ મચી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: