કઠલાલના યુવાને ‘જયશ્રી રામ’ નામનું ટેટુ ભક્તોના હાથમાં નિઃશુલ્ક બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો.
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલના યુવાને ‘જયશ્રી રામ’ નામનું ટેટુ ભક્તોના હાથમાં નિઃશુલ્ક બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો
કઠલાલના યુવાને ‘જયશ્રી રામ’ નામના ટેટુ ૩૧૦૦થી વધુ રામ ભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. યુવાનને ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે. ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં આઝાદ પોળમાં રહેતા પાર્થ મિતેશભાઈ વ્યાસ જે ટેટુ એન્ડ સ્કેચ આર્ટીસ્ટ છે. તાજેતરમાં અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ વચ્ચે પાર્થ વ્યાસે દરેક રામ ભક્તોને વિનામૂલ્યે ‘જયશ્રી રામ’ નામના ટેટુ બનાવી આપ્યા હતા. સતત ત્રણ દિવસ સુધી દિવસ રાત લગભગ ૩૧૦૦ વ્યક્તિઓના હાથમાં ટેટુ બનાવ્યા હતા. જે બાદ યુવાને પોતાના મિત્રો મારફતે વિશ્વ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.જેમાં ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવતા ઓબ્ઝર્વેશન અને મુલાકાત બાદ આ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન મળ્યું છે. પાર્થ વ્યાસે જણાવ્યું કે ‘રામાયણ’ના અમુક પ્રસંગોમા રામસેતુ નિર્માણને યાદ કરતા મને એક વિચાર આવ્યો કે જો ‘પ્રભુશ્રી રામ’ નામ પથ્થર ઉપર લખવાથી પથ્થરો પણ મહાસાગરમા તરવા લાગ્યા હતા. તો તેજ રીતે ‘પ્રભુશ્રી રામ’ નામનો રસ પાન કરવાથી અને કરાવવાથી આ મનુષ્ય જીવન પણ તરી જાય એ સદભાવના સાથે મેં ટેટુ લોકોને વિનામૂલ્યે મૂકી આપ્યા હતા. જેમાં આ વાતની નોંધ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. ઇન્ફ્લુઅન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મને તાજેતરમાં સ્થાન મળ્યું છે અને આ બાબતે સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું છે. વર્લ્ડ રેકોર્ડના સુપરવાઇઝરોના કહેવા મુજબ અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં કોઈ પણ કલાકારે ૩૧૦૦ ઉપર ‘જયશ્રી રામ’ નામના ટેટુ એક સાથે બનાવ્યા નથી તેથી આ વાતને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત મે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા પણ નામ નોંધાવ્યું છે. જે હાલ પ્રોસેસમા છે.