ગઠીયાએ અલગ અલગ માણસો મોકલી મની ટ્રાન્સફરના નામે રૂપિયા ખંખેરી લીધા.
નરેશ ગનવાણી નડિયાદ
ગઠીયાએ અલગ અલગ માણસો મોકલી મની ટ્રાન્સફરના નામે રૂપિયા ખંખેરી લીધા
કપડવંજમાં ઝેરોક્ષની દુકાન સાથે મની ટ્રાન્સફરનુ કામ કરતા યુવાન પાસે ગઠીયાએ અલગ અલગ માણસો મોકલી મની ટ્રાન્સફરના નામે રૂપિયા ૨૪ હજાર છેતરપિંડી કરી છે. કપડવંજ શહેરમાં અલમદીના સોસાયટીમા રહેતા નોફીલ રફીકભાઈ શેખ ત્રિવેણી ચોકડી પાસે શેખ ઝેરોક્ષ નામની દુકાનમાં ઝેરોક્ષની દુકાનની સાથે ઓનલાઇન કામગીરી પણ છે. ૧૪ ફેબ્રુઆરીએ દુકાન ઉપર સાંજના એક અજાણ્યો માણસ આવેલ અને તે વખતે ફોન પર વાત કરતા તેણે દુકાનમાં બેઠેલા પુછ્યું કે નોફીલભાઈ તમો છો તેમ કહેતા તેઓએ હા પાડતા આ અજાણ્યા ઈસમે ફોન પકડાવી દીધો હતો. અને સામેવાળી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરતા કહ્યું કે હું અગાસી હોટલનો માલિક બોલુ છુ. મારે તમારા ત્યાંથી રૂપિયા ૨૫ હજાર મની ટ્રાન્સફર કરાવવુ છે તો કેટલો ચાર્જ થશે ? તેમ પુછતાં નોફીલભાઈએ ૨૫૦ રૂપિયા ચાર્જ થશે તેમ કહ્યુ હતું. ત્યારબાદ પંદર-વીસ મિનીટમાં હું મારો બીજો માણસ મોકલુ છુ તો એ પૈસા લઈને આવશે અને તમને જે નંબર આપે તેના ઉપર પૈસા ટ્રાન્સફર કરી આપજો તેવી વાત કરી હતી. બીજો માણસ નોફીલની દુકાનમાં ચાલુ ફોન લઇ આવેલ અને કહેલ કે તમો નોફીલભાઈ છો તમે વાત કરી લો તેમ કહેતા નોફીલભાઈએ વાત કરી હતી. ફોન ઉપર જણાવેલ કે હમણા મે તમારી સાથે વાત કરેલ તે અગાસીવાળા શેઠ બોલુ છુ. તમે મોબાઇલ નંબર પર રૂપિયા ૨૫ હજાર ગુગલ પે થી ટ્રાન્સફર કરી દો અને આ ફોન લઈને આવેલા ભાઈ તમને નાણા આપી દેશે અને સાથે ચાર્જ પણ આપી દેશે તેવી વાત કરી હતી. જોકે નોફીલે જણાવ્યું કે મારી પાસે હાલ ફક્ત રૂપિયા ૨૪ હજાર છે. જેથી આ નાણાં જણાવેલ નંબર પર ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ પછી આ આવેલા ઈસમ પાસે નાણાં અને ચાર્જ માગતા તેણે કહ્યું કે હું કઇ જાણતો નથી મને તો કપડવંજ મીના બજારમાં બુરહાની સેલ્સ કલરની દુકાનવાળા વેપારી અબ્દુલભાઇ તથા સબ્બી એક મોબાઈલનો ટેક્સ મેસેજથી મોકલી આપી કહેલ કે આ નંબર ઉપર વાત કરી લેજે કલરનું કામ કરવાનુ જણાવેલ છે. જેથી નોફીલ ચોકી ઉઠ્યો હતો. જે બાદ પોતાનું નામ ખોજન સૈફુદ્દીન રંગવાલા જણાવેલ હતુ. જેથી નોફીલે બુરહાની સેલ્સ કલરની દુકાનવાળા વેપારીનો સંપર્ક કરતા જાણવા મળેલ કે, એક નંબર પરથી ફોન આવેલ અને કલરનુ કામ હોય માણસ જોઈએ છે તેમ કહેતા તેઓના માણસ ખોજન સૈફુદિન રંગવાલાને આ નંબર ટેક્સ મેસેજ કરી વાત કરવાનું કહેલ હતુ. તેમજ અગાસી હોટલના માલિકનો સંપર્ક કરતા તેઓએ પણ કોઇ માણસને આ દુકાન ઉપર નાણા ટ્રાન્સફર કરવા મોકલેલ નથી તેમ જણાવેલ હતુ. જેથી નોફીલને પોતાની સાથે છેતરપીંડી થયેલ હોવાનુ જણાતાં જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને ગઇકાલે કપડવંજ ટાઉન પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
