દાહોદ નકલી કચેરીના 25.66 કરોડના અત્યંત ચકચારી કૌભાંડમાં સંજય જે પંડ્યાની ધરપકડ કરતી દાહોદ પોલીસ
દાહોદ પોલીસે નકલી કચેરી કૌભાંડમાં સતત ત્રણ મહિના પરસેવો પાડી પુરાવાઓ એકત્રિત કરી 3434 પાનાની ચાર્જશીટ બનાવી દાહોદની કોર્ટમાં દાખલ કરી આ નકલી કચેરી કૌભાંડનો છેલ્લા કેટલાક દિવસથી ઠંડો પડેલો મામલો પુનઃ ગરમ કર્યો હતો. જેમાં 13 આરોપીઓની ધરપકડ કરી 130 જેટલા બેન્ક એકાઉન્ટ શોધી કાઢી તેમાંથી 70 ફ્રીજ કરવામાં આવ્યા હતા. જેમાં 100 કામો નહીં પણ 121 કામો કાગળ પર રજૂ કરી નાણાં પડાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે દાહોદ પોલીસની આગળ ધપતી ઊંડી તપાસમાં વધુ એક પ્રાયોજના વહીવટદાર સંજય જે પંડ્યાનું નામ ખુલતા ગત રાતે દાહોદ પોલીસે તેની ધરપકડ કરતા આ અત્યંત ચચ્ચારી નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં દાહોદ પોલીસે કુલ ૧૪ ની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લાના અત્યંત ચકચારી એવા નકલી કચેરીના 25.66 કરોડના કૌભાંડના મામલે દાહોદ પોલીસે થોડા દિવસ પહેલા જ 3434 પાનાની ચાર્જશીટ બનાવી દાહોદ કોર્ટમાં રજૂ કરી હતી. તેમજ બીજી તરફ પોલીસે આ મામલામાં તપાસ પણ ચાલુ રાખી હતી. આ નકલી કચેરી કૌભાંડની ચાર્જશીટમાં જુદી જુદી સાત જેટલી બેન્કોના 200 સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. અને 18 કરોડ 95 લાખનું કૌભાંડ વધીને 25 કરોડને પાર કરી ગયું છે. આ અત્યંત ચકચારી કેસની ઝીણવટ ભરી તપાસ દાહોદ એએસપી કે સિદ્ધાર્થ કરી રહ્યા છે. તેઓએ તપાસ નો દોર આગળ વધારી બેંકના સ્ટેટમેન્ટોની ચકાસણી તેમજ ધરપકડ કરાયેલા આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછના વધુ એક દોરમાં દાહોદમાં વર્ષ 2022 23 દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવી ગયેલા સંજય જે પંડ્યાની સંડોવણી બહાર આવતા તે આધારે દાહોદ પોલીસે ગત રાતે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે. આમ આ કથિત અત્યંત ચકચારી નકલી કચેરી કૌભાંડમાં એક આઈએએસ બાબુ નીનામા સહિત કુલ ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. આ ભેજા બાજ સફેદ ઠગોએ 100 નહીં પણ 121 કામો મંજૂર કરાવીને તે પેટે રૂપિયા 25,66 77 651/- ની સરકારી ગ્રાન્ટ લઈ ભ્રષ્ટાચાર આચર્યાનું બહાર આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કથિત નકલી કચેરી કૌભાંડમાં કોઈ ચમરબંધી આરોપીને પણ બક્ષવામાં નહીં આવે એવો હુંકાર જે તે સમયે કર્યો હતો. ગૃહમંત્રીના આ હુંકારનો દાહોદ પોલીસ હાલ સંપૂર્ણપણે અમલ કરી રહી છે. અને આ કેસની એક એક કડીઓ ખોલી રહી છે જેના કારણે ચોકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અને આવનાર સમયમાં આ મામલામાં વધુ ની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે કૌભાંડમાં કોઈ ચમરબંધી પણ સંડોવાયેલ હશે તો તેના ગળામાં પણ ગાળીયો નાખવામાં પોલીસ નહીં ખચકાય તેવું હાલના તબક્કે પોલીસની કામગીરી જોતા લાગી રહ્યું છે.