નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા, ભક્તોનો મહેરામણ ઉમટયો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પૂ. યોગીરાજ સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. આ મહોત્સવ નિમિતે મંદિરમાં ઢળતી સંધ્યાએ દિવ્ય સાકર વર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો. દિવ્ય મહાઆરતી દર્શન અને સાકર વર્ષાનો લાભ લેવા ભક્તોનો મહાસાગર ઊમટયો હતો. મંદિર પરિસરમાં જય મહારાજના નાદ સાથે ભક્તોએ મહાઆરતી દર્શન અને સાકર પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી.આ મહોત્સવને લઇને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થઈ ગયો હતો. મેળો માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
નડિયાદ સંતરામ મંદિરમાં મહાસદ પૂર્ણિમા શનિવાર નારોજ સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ નિમિતે વહેલી પરોઢે ૪.૩૦ ક્લાકે ધ્યાન તથા ૪.૪૫ કલાકે તિલક દર્શન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં સાંજે ૬ વાગે મંદિરના મહંત રામદાસજી મહારાજ સહિત તમામ શાખા મંદિરના સંતો ગાદી મંદિર સમાધિ સ્થાન સામે ઉભો કરાયેલ પ્લેટફોર્મ ઉપર આવ્યા હતા. ત્યારે મંદિર પરિસર સહિત ચોતરફ જ્ય મહારાજ મહારાજ ના અવિરત ગગનભેદી નાદ થી મંદિરને ગજવી મૂક્યું હતું. ત્યારબાદ પૂ. રામદાસજી મહારાજે શાખા મંદિરોના સંતોની સાથે ૬ વાગ્યાના અરસામાં સંતરામ મહારાજ સમાધિ સ્થાનની દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત રામદાસજી મહારાજે સૌ પ્રથમ સાકરવર્ષા બાદ સંતોએ અને પછી સ્વયંસેવકોએ સો શ્રદ્ધાળુઓ ઉપર દિવ્ય સાકર વર્ષા કરી હતી. ૧૫૦૦ કિલો સાકર અને કોપરૂ પ૦૦ ક્લિોની વર્ષાનો પ્રસાદ ગ્રહણ કરીને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાકર વર્ષ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પૂર્ણિમા નિમિતે મંદિરમાં સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના દર્શન સવારના ૫.૪૫ થી રાત્રીના ૮ વાગ્યા સુધીમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.