કપડવંજમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ શહેરના દાણા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. તાજેતરમાં ફુલબાઈ માતા તળાવ બ્યુટીફિકેશન કરવાની કામગીરી હાથ ધરતા કોન્ટ્રાકટર દ્વારા તળાવનો પાણી રેલવે ગરનાળામાં ઠાલવતા પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરાય તેવી માંગ ઉઠી છે.
કપડવંજ શહેરના દાણા રોડ પર રેલવે ગરનાળામાં છેલ્લા પાંચ દિવસથી પાણી ઢીંચણસમા ભરાયા છે. જેના પરિણામે માર્ગ પરથી પસાર થતા પંદર થી વધુ ગામના લોકોને મુશ્કેલી સામનો કરવો પડે છે . એકબાજુ પાલિકા શહેરીજનોને વધુ સવલતો પૂરી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચીને ફુલબાઈ માતા તળાવ બ્યુટીફિકેશન કરવાની કામગીરી શરૂ કરાઇ છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તળાવનો પાણીનો નિકાલ કરવામાં આવતો પાણી રેલવે ગરનાળામાં ભરાયા છે જેને પરિણામે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને છેલ્લા પાંચ દિવસથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રેલવે ગરનાળામાં ઢીંચણ સમા પાણી વચ્ચે કાદવ પણ થઈ જતા વાહનો તેમાં ફસાઈ રહ્યા છે. સમગ્ર બાબત અનેકવાર સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
