મનરેગા હેઠળ સૌથી વધુ શ્રમિકોને રોજગારી આપવામાં દાહોદ જિલ્લો રાજ્યમાં પ્રથમ જિલ્લાની ૫૩૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૦૯ પંચાયતોમાં મનરેગા હેઠળ થતા વિવિધ કામોમાં ૧.૬૩ લાખ લોકોને રોજગારી મળી

દાહોદ તા.26

સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય બાંહેધરી યોજના હેઠળ શ્રમિકોને કામ આપવામાં પ્રથમ રહ્યો છે. જિલ્લાની ૫૩૩ ગ્રામ પંચાયતો પૈકી ૫૦૯ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ૧,૬૩,૩૮૦ લોકો મનરેગા હેઠળ રોજગારી મેળવી રહ્યા છે.
આ બાબતે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે કહ્યું કે, લોકડાઉનને ધ્યાને લઇ અમે કામોનું આગોતરૂ આયોજન કર્યું હતું. લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ અમે રોજગારીની બાબત ઉપર લક્ષ્ય આપ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લામાં કામ કરતા શ્રમવીરો ઘરે પરત આવે ત્યારે તેમને માટે રોજગારી ન મળવાના કારણે આર્થિક સંકડામણની સ્થિતિ સર્જાઇ એમ હતી. એથી, કામોનું આગોતરૂ આયોજન કરી રાખ્યું હતું.
તેમણે જણાવ્યું કે, એપ્રિલ માસના બીજા પખવાડિયામાં મનરેગાના કામો કરવાની મંજૂરી મળી જતાં અમે વ્યાપક સ્તરે ગ્રામીણ લોકોને રોજગારી આપવા માટે જોબ કાર્ડ ઇસ્યુ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં રોજગારવાંચ્છુ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. હાલના તબક્કે ૧,૬૩,૩૮૦ લોકો મનરેગા યોજનામાં જોડાઇને રોજગારી મેળવી રહ્યા છે.
મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવી રહેલા લોકોની તાલુકા પ્રમાણે સંખ્યા જોઇએ તો દાહોદ તાલુકામાં ૨૩૫૮૮, દેવગઢ બારિયા તાલુકામાં ૧૪૬૪૦, ધાનપુરમાં ૧૭૫૫૦, ફતેપુરા તાલુકામાં ૧૯૭૨૧, ગરબાડામાં ૧૨૫૦૨, ઝાલોદમાં ૨૭૦૯૧, લીમખેડા તાલુકામાં ૧૭૪૫૭, સંજેલીમાં ૧૫૦૬૩ અને સિંગવડ તાલુકામાં ૧૫૭૬૮ લોકોને રોજગારી મળી છે.
જિલ્લા પંચાયત દ્વારા વિવિધ કામો મનરેગા હેઠળ લેવામાં આવ્યા છે. જેમાં તળાવો ઉંડા કરવા, જળ સંચય સહિતના કામોનો સમાવેશ થાય છે. આવા કુલ ૧૨ હજારથી વધુ કામો કરવામાં આવી રહ્યા છે.
Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!