ઇજનેરે ઓનલાઇન સ્માર્ટ વોચ ખરીદી કરવા જતાં રૂ. ૧૨ હજાર ગુમાવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ તાલુકાના મિહિર ભાઇએ વોચ મંગાવી પણ વોચ ન આવતા કુરિયર કંપનીનો સંપર્ક કરતા એક લિંક મોકલીને જાણ બહાર ગઠિયાએ રૂપિયા ૧૨ હજારની ઉપરાતની રકમ ખાતામાંથી ઉપાડી લીધી છે.
નડિયાદ તાલુકાના નવા બીલોદરા ગામે રહેતા મિહિરભાઈ અશ્વિનભાઈ વાઘેલા જે કણજરી નગરપાલિકામાં ઈજનેર તરીકેની ફરજ બજાવે છે. તા. ૬ જુન ૨૦૨૩ના રોજ ઓનલાઈન સ્માર્ટ વોચનો ઓર્ડર આપેલ હતો. જેની ડીલેવરી ૯ જૂનના રોજ થવાની હતી. પરંતુ ડિલિવરી ન મળતાં મિહિર ભાઈએ કુરિયર કંપનીનો ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કર્યો હતો જ્યાં સામેથી સ્માર્ટ વોચની ડીલેવરી બાબતે જણાવવામાં આવતા આ વ્યક્તિએ પોતાના ઉપરી અધિકારીને ફોન ડાયવર્ટ કરી મિહિરભાઈના મોબાઈલ પર એક લિંક મોકલી હતી. જે લિંકમાં રૂપિયા પાંચ નાખવાનું જણાવ્યું હતું પરંતુ મિહિરભાઈ ત્રણ ટ્રાન્ઝેક્શન કર્યા અને તેમાં અનસકસેસ બતાવતા હતા. ત્યારબાદ બેંકના ટેક્સ મેસેજ આવ્યા હતાં જેમાં અલગ અલગ રીતે બે ખાતામાંથી કુલ રૂપિયા ૧૨ હજાર ૭૦૦ ઓનલાઇન ડેબિટ થઈ ગયેલા હોવાનું મેસેજ હતો. જેથી મિહિરભાઈ ને શંકા જતા તેમણે જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર પોતાની ફરિયાદ રજીસ્ટર કરાવી હતી અને ગઇકાલે આ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.