ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાના આયોજન માટે શિક્ષણ વિભાગ દ્વારા બેઠક યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ
ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ૧૧ માર્ચના રોજ એસ.એસ.સી અને એચ.એસ.સી બંને બોર્ડ પરીક્ષા ખેડા જિલ્લામાં સૌહાર્દ વાતાવરણથી લેવાય તે માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, શિક્ષણ સચિવ રાવ અને બોર્ડના અધ્યક્ષ ડો. બંછાનિધિ પાણી દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો આ વીડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. બોર્ડ પરીક્ષા વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી, શું વ્યવસ્થા કરવી, વિદ્યાર્થીઓના હિતાર્થે સુંદર આયોજનમાં પરીક્ષા લેવાય તે માટે ખેડા જિલ્લા પરીક્ષા સમિતિએ એક્શન પ્લાન ૨૦૨૪ વીડિયો કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરએ ખેડા જિલ્લાની બોર્ડ પરીક્ષા પારદર્શક રીતે લેવાય તે માટે સ્થળ સંચાલકોની તેમજ સુપરવાઇઝર શિક્ષકોની મીટીંગ લઈને બોર્ડ પરીક્ષાના આયોજન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓ તા. ૧૧ માર્ચ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન યોજાશે. પરીક્ષાના આયોજન સંદર્ભે પરીક્ષાના બિલ્ડીંગ, બ્લોક તથા વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રતિબંધાત્મક હુકમો તથા જાહેરનામું, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, બ્લ્યુ ટુથ તેમજ કોઈપણ પ્રકારના વીજાણુ ઉપકરણનાં પ્રતિબંધ, સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર તથા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો ઉપર વર્ગ-એક અને વર્ગ-બે ના અધિકારીઓને સ્કવોર્ડ નિયુક્તિ, પરીક્ષાકેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્ર ખાતે ગેરરીતિ માસ કોપી કે સ્ટાફની અન્ય બેદરકારીએ બદલ શિક્ષાત્મક કાર્યવાહી, પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની સગવડ બાબત તેમજ સીસીટીવી કેમેરીના ફૂટેજ જોવાની ટીમ અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ તથા હેલ્પલાઈનની વ્યવસ્થા માટે સારથી હેલ્પલાઈનની શરુ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે એસ.એસ. સી અને એચ.એસ.સી પરીક્ષા માર્ચ -૨૦૨૪ અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ ૬૮ કેન્દ્રો, ૧૫૭ પરીક્ષા સ્થળ અને ૧૬૮૦ બ્લોક પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૧૦ અને ૧૨ ના અંદાજિત ૪૬,૨૯૭ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. જેમાં કુલ ૧૫૭ સ્થળ સંચાલકો, ૧૭૬૫ બ્લોક સુપરવાઇઝર, ૧૫૭ વહીવટી કર્મચારીઓ, ૧૮૪ ઝોનલ પ્રતિનિધિઓ દ્વારા સમગ્ર બોર્ડ પરીક્ષાનું સંચાલન કરવામાં આવશે. સમગ્ર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ પરીક્ષા સ્થળ સુરક્ષા માટે સંપૂર્ણ પોલીસ સ્ટાફ પૂર્ણ પાડવા અને વ્યવસ્થામાં મદદ કરવા જણાવ્યુ હતુ. આ પ્રસંગે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જીઈબી, એસ.ટી સહિત વિભાગના પરીક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.