કારમાં સ્ટંટ કરતો વાયરલ વિડીયોના કેસમાં બે યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરના સંતરામ રોડ ઉપર કારમાં યુવક સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે યુવકોની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નડિયાદ શહેરના સંતરામ રોડ ઉપર મૂળના કારણે મોડી રાત સુધી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં આવે છે. ત્યારે લોકોથી ભરચક માર્ગ પરથી પસાર થઇ રહેલી એક કારની બારીમાંથી યુવક બહાર નીકળીને સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આ કારની અને સ્ટંટ કરનાર યુવકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. શહેરમાં લાગેલા સી.સી.ટી.વી. અને નેત્રમના કેમેરાની તપાસ કરતાં સ્ટંટ કરનાર યુવક અને કારની ભાળ મળી આવતાં બંને યુવકોને ડિટેઇન કરીને તેમને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જેમાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર આવેલી ઇલેવન સોસાયટીમાં રહેતા જયદીપ તુષારભાઇ સોજીત્રા તેમજ સમડી ચકલામાં આવેલી મજમુદારની પોળમાં રહેતા યશ મનિષભાઇ પંડ્યાને ઝડપી પાડી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.