આનંદો ! કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

દાહોદ તારીખ ૨૭
ઉનાળાની ગરમી અને કોરોના વાયરસની ચિંતામાં ત્રાહિમામ પોકારી ઉઠેલા દાહોદ જિલ્લાના લોકો માટે એક સારા સમાચાર છે. દાહોદ જિલ્લાને નંદનવનમાં પરિવર્તિત કરનારી રૂ. ૧૦૫૪.૭૬ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના પૂર્ણ થવાને આરે છે. છેક કડાણાના નાની ક્યારથી પારેવા સુધી એટલે કે દાહોદ જિલ્લાના છેલ્લા પોઇન્ટ સુધી ૧૨૫ કિલોમિટર લાંબી લાઇન નાખવાનું કામ પૂર્ણ થઇ ગયું છે.
દાહોદ જિલ્લા માટે અતિજરૂરી એવા આ બહુઆયામી યોજનાની કેટલીક વિગતો જાણીએ. કડાણા જળાશયથી સિંચાઇ માટે પાણી લાવવા માટે આ યોજના બનાવવામાં આવી છે. તે માટે મુખ્ય પાઇપ લાઇન ઉપર ચાર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. એક નાની ક્યાર, બીજુ ગોઠીબ, ત્રીજુ કુંડલા અને ચોથુ પારેવા ખાતે બન્યું છે. મુખ્ય પાઇપ લાઇનની લંબાઇ ૮૨ કિ. મિ. અને ફિડર પાઇપ લાઇનની લંબાઇ ૪૨.૫ કિલોમિટર છે. એ મળીને ૧૨૫ કિ. મિ. લંબાઇ છે. જ્યારે, તળાવો માટે નાખવામાં આવેલા એચડીપી પાઇપની લંબાઇ ૫૦ કિ. મિ. જેટલી છે.
કડાણા ડેમમાંથી આવતા પાણીથી દાહોદ જિલ્લાના માછણનાળા, પાટાડુંગરી, ઉમરિયા, અદલવાડા અને વાંકલેશ્વર જળાશય ભરવાના છે. આ ઉપરાંત, આ યોજનાની ડાબી અને જમણી બાજુએ બે કિલોમિટર વિસ્તારના ૫૪ ગામ તળાવો પણ ભરવાના છે. જ્યાં એચડીપી લાઇન નાખવામાં આવી છે. આ યોજનાના પરિણામે દાહોદ જિલ્લાના દસ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે.
કડાણા જળાશયથી ૪૦૦ ક્યુસેક્સ પાણી રોજના ૨૨ કલાક ચલાવીને ૧૨૦ દિવસ સુધી લાવવામાં આવશે. પારેવાથી પાટા ડુંગરી સુધી ૧૫૦ ક્યુસેક્સ અને અદલવાડા સુધી ૨૦૦ ક્યુસેક્સ પાણી જશે. આ ઉપરાંત, પાટા ડુંગરી જળાશયથી ૫૦ એમએલડી પાણી ગરબાડા અને દાહોદ તાલુકાના ગામોને પીવાના હેતુંથી આપવામાં આવશે. જે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવી વિતરણ કરવામાં આવશે.
ડોશી નદી, વાકડી નદી અને હડફ નદીમાં પણ આ પાણી પહોંચશે. જેના પરિણામે આસપાસની વાડીના કૂવા જીવંત થશે. જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.
હવે, માત્ર વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેટકો દ્વારા આ માટે થઇ રહેલી કામગીરી જોઇએ તો નાની ક્યાર ખાતે બનાવવામાં આવેલા પ્રથમ પમ્પિંગ સ્ટેશનમાં ૬૬ કિલોવોટની લાઇન વાલાખેડીના સબ સ્ટેશનથી આપવાની છે. જેમાં કુલ ૬૭ વીજ ટાવર ઉભા કરી સાડા સોળ કિલોમિટર તાર નાખવાના રહે છે. જે પૈકી ૬૧ ટાવરના ફાઉન્ડેશન નખાઇ ગયા છે અને ૫૮ ટાવર ઉભા થઇ ગયા છે. જ્યારે, માત્ર ૩ કિલોમિટર લાઇન નાખવાની બાકી છે.
સંતરામ પુરના ગોઠીબ ખાતે આવેલા બીજા નંબરના પમ્પિંગ સ્ટેશન માટે સરસવા પૂર્વથી વીજ જોડાણ આપવામાં આવ્યું છે. ૧૪ ટાવર ઉભા કરી ૩.૨ કિલોમિટર લાઇન મારફત વીજ જોડાણ આપી દેવામાં આવ્યું છે. એટલ કે, અહીંનું કામ પૂર્ણ થઇ ગયું છે.
કુંડલા ખાતે આવેલા ત્રીજા નંબરના પમ્પિંગ સ્ટેશનમાં કારઠથી વીજ લાઇન માટે નાખવા થતાં ૮૭ ટાવર પૈકી ૧૯ માટેના ફાઉન્ડેશન નંખાઇ ગયા છે. અહીં ૧૮ કિલોમિટર લાંબી વીજરેષા મારફત વીજળી આપવામાં આવશે. એ જ પ્રકારે પારેવા ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનને ખરોડથી વીજળી આપવામાં આવનાર છે. આ માટે ૪૩ પૈકી ૩૭ ટાવરના ફાઉન્ડેશન નખાઇ ગયા છે. જ્યારે, ૨૯ ટાવર ઉભા થઇ ગયા છે. ૧૦ કિલોમિટર લાઇન નાખવાની બાકી છે.
હાલે, પમ્પિંગ સ્ટેશનમાં ગાર્ડનિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. વીજ લાઇન નાખવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એવી રીતે આયોજન છે. વીજળી મળતાની સાથે જ પ્રથમ તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: