મહેમદાવાદ પાલીકા દ્વારા વેરો બાકી નીકળતા ચાર મિલકતો સીલ કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ પાલિકા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો સામે કાર્યવાહી કરાઈ હતી. શહેરના ઢાકણીવાડ, હાઉસિંગ, માલવા ફળિયા, ભાથીજી ફળિયા વાઘરીવાસ, મલેકવાડો, અનુભાઈનો મહોલ્લો, ખાત્રજ દરવાજા અંદર જેવા વિસ્તારોમાં બાકી મિલકતધારકોને ત્યાં કામગીરી હાથ ધરી હતી. આ બાકી મિલકતધારકોને પાલિકા દ્વારા નોટિસ આપી જાણ કરાઈ હતી. તેમ છતાં બાકીદારો દ્વારા વેરો ભર્યો ન હતો. જેથી પાલિકા દ્વારા કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. પાલિકા દ્વારા અગાઉ ૩૩ કનેકશનો અને હાલ ૧૯ જેટલા કનેક્શન મળી કુલ ૫૨ જેટલા પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. આ અંગે પાલિકા કર્મચારીઓ દ્વારા જણાવ્યુ હતુ કે ૧૧ જેટલા મિલકતધારકોને પાલિકા દ્વારા નોટિસ આપી હતી. જે બાદ પણ વોરો ન ભરાતાં તેની મિલકતોને સીલ કરાઈ હતી. જે લગભગ ૫૦ થી ૬૦ લાખ ની હતી તેમાંથી માત્ર એક મિલકતધારકો રૂ ૪૫ હજાર નાણાં ભરપાઈ કરી હતી. આમ ૧૧ મિલકતોને સીલ માર્યા બાદ પણ કોઈ પ્રતિક્રિયા ન થતા પાલિકા દ્વારા સોમવારના રોજ આજે ફરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ચાર મિલ્કતને સીલ મારી છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં વેરા લગભગ રૂ ૨૦ હજાર ઉપરાંતનો બાકી હોય તેવા ધારકોના અગાઉ ૩૩ અને હાલ ૧૯ મળી કુલ ૫૨ જેટલા પાણીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી.