ખેડા-આણંદ જિલ્લાના  કુલ ૧૧ કામોનું પરીએજ તળાવ ખાતે ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયું

નરેશ ગનવાણી નડિયાદ

જળ-સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખેડા જિલ્લાના પરીએજ ખાતે ખેડા-આણંદ જિલ્લાના અંદાજિત રૂપિયા ૩૮૫.૬ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં પરીએજ તળાવના ડીસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરી, લીંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરી, ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે. 
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે આજે દેશ અને રાજ્યમાં પાણી સંબધિત વિવિધ યોજનામાં નાણાકીય જોગવાઈ ઉભી કરીને અંતરિયાળ વિસ્તારો સુધી સિંચાઈ અને પીવાના પાણીની વ્યસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પરીએજ તળાવમાં ડીસીલ્ટીંગ, પાળ બાંધકામ અને ગાર્ડન નિર્માણ સહિતના બ્યુટીફિકેશનના કામોથી પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ અને પર્યટન સહિતની વ્યવસ્થાનો લોકોને લાભ મળશે. સાથે જ આગામી સમયમાં પરીએજ તળાવની માફક કનેવાલ તળાવમાં પણ ડીસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરીના આયોજન વિશે મંત્રીએ વાત કરી હતી. માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે પરીએજ તળાવના વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો. સાથે જ પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ભાવિક રાઠોડ દ્વારા આ પ્રકલ્પો અને યોજનાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી.
માતર તાલુકાના પરીએજ તળાવ ખાતેથી નહેર તથા તળાવ સુધારણા કામોનું લોકાર્પણ પૂર્ણ થતા ખેડા-આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ મળીને ૧૦૧ ગામો અને ૧ શહેરની અંદાજિત ૪.૪૫ લાખની વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. જેમા ઠાસરા, ગળતેશ્વર(ઉત્તર અને દક્ષિણ) જૂથ પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના લાભાર્થી ગામોમાં વ્યક્તિ દિઠ દૈનિક ૧૦૦ લિટર પાણીનો લાભ મળશે. ઉપરાંત દક્ષિણ ઠાસરા – ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. ૮૧.૭૦ કરોડના કામો અને ઉત્તર ઠાસરા – ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. ૭૬.૫૯ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ઠાસરા ધારાસભ્ય  યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, મહી સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર કે.સી.ચૌહાણ, પાણી પુરવઠા અધિક્ષક ઇજનેર  ડાભી, મહી સિંચાઈ કાર્યપાલક ઇજનેર શ્રી નિરવ ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારી, માતર તાલુકાના આગેવાનો સહિત અન્ય મહાનુભાવો અને માતર તાલુકાના લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!