લીમખેડાના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં અંતેવાસીના આરોગ્યનું થાય છે સતત નિરીક્ષણ
સવારસાંજ પોષક અને સ્વાદિષ્ટ ભોજન સાથે અંતેવાસીઓને હળવી કસરતો અને યોગાસનો કરાવવામાં આવે છે
ક્વોરોન્ટાઇન સેન્ટરને સવાર અને સાંજ એમ બે વખત સેનિટાઇઝ કરવામાં આવે છે, રોજ અંતેવાસીના આરોગ્યની થાય છે તપાસ
દાહોદ તા.28
ક્વોરોન્ટાઇન આમ તો કોમ્પ્યુટર સાયન્સનો શબ્દો છે પણ, કોરોના વાયરસના સંક્રમણ કાળમાં તેનો બહુધા ઉપયોગ થઇ રહ્યો છે. તેનો મતલબ થાય છે વાયસરને ઓળખી તેને કાઢવો. કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવેલી વ્યક્તિને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે, એટલે કે, તેમાં વાયરસ છે કે કેમ ? તે જાણવા માટે સતત નિગરાની હેઠળ રાખવામાં આવે છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતેની મોડેલ નિવાસી શાળામાં આવું એક ક્વોરોન્ટાઇન સેન્ટર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા કુલ ૯૧ પૈકી ૪૬ વ્યક્તિ અહીં છે, તેમનો પોષક અને સ્વાદિષ્ટ આહાર સાથે આરોગ્યલક્ષી સતત સંભાળ રાખવામાં આવી રહી છે.
આ બાબતે મુખ્ય કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, લીમખેડા ખાતેના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં હાલમાં કુલ ૪૬ વ્યક્તિને રાખવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવ્યા બાદ સરકારી ક્વોરોન્ટાઇન ફેસીલેશન સેન્ટરમાં ખસેડવામાં આવે છે. અહીં દાખલ થતી તમામ વ્યક્તિને તેમની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, બ્રશ, સાબુ, દાંતિયો સહિતની એક કિટ્સ આપવામાં આવે છે. તમામને આરામદાયક ગાદલા સાથે અલાયદો બેડ આપવામાં આવે છે.
આમ તો બીજા શબ્દોમાં કહી તો ક્વોરોન્ટાઇન થયેલી વ્યક્તિને આખા દિવસ દરમિયાન કશી જ પ્રવૃત્તિ કરવાની હોતી નથી. ભોજન અને આરામ ! પણ લીમખેડામાં ક્વોરોન્ટાઇનમાં અંતેવાસીઓને સવારમાં યોગાસનો અને હળવી કસરત કરાવવામાં આવે છે. જો કે, આ ફરજિયાત પ્રવૃત્તિ નથી.
બાદમાં આવે છે ગરમાગરમ બ્રેકફાસ્ટ ! સવારના નાસ્તાનું મેનુ પણ અલગ અલગ ગોઠવવામાં આવ્યું છે. ક્યારેક પૌવા અને ચા તો ક્યારેક ઉપમા અને ચા ! આમ ચા નાસ્તો કર્યા બાદ તમામ અંતેવાસીઓ પોતાની બાકીની દિનચર્યા પૂર્ણ કરે છે.
મધ્યાહન સમયે જમવાનું આવે છે. જમવા માટે સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા એક એજન્સી નિયત કરવામાં આવી છે. જે રોજ બપોરે પેકેજ્ડ ભોજન પીરસી જાય છે. જેમાં એક ગ્રિનસબ્જી, કઠોળ, દાળભાત અને રોટલી મુખ્યત્વે પીરસવામાં આવે છે. આ ભોજન સ્વાદિષ્ટ હોય છે. અંતેવાસીઓને આ બાબતે પૂછતા તેઓ પણ સંતોષ વ્યક્ત કરે છે. એ બાદ ફરી આરામ અથવા વાંચનની પ્રવૃત્તિ ! સાંજે પણ આ પ્રકારનું મેનું હોય છે. જેમાં દાળભાતના સ્થાને ક્યારેક ખીચડી કઢી હોય છે.
એ દરમિયાન, સવાર અને સાંજે તમામ રૂમને સેનિટાઇઝ કરવામાં આવે છે. સોડિયમ હોઇપોક્લોરાઇટનો ઉ૫યોગ કરી રૂમને સેનિટાઇઝ અને સફાઇ કરવામાં આવે છે. વળી, રોજેરોજે તમામ અંતેવાસીની બપોર બાદ આરોગ્યની તપાસ થાય છે. વળી, તમામના રિપોર્ટ કોરોના પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. આરોગ્ય વિભાગની એક ટીમ અહીં સતત તૈનાત હોય છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા અને મામલતદાર શ્રી ઘનશ્યામ પટેલ, બીએચઓ ડો. મછાર સમયાંતરે મુલાકાત લેતા રહે છે.
પોતાના થકી કોરોના વાયરસ વધુ પ્રસરવાની શક્યતા રહે નહીં એ માટે અહીં અંતેવાસી પણ ૧૪ દિવસ ક્યારેક આનંદ, ક્યારેક પરિવારથી અલગ રહેવાના કંટાળા અને નવા અનુભવ સાથે વિતાવે છે.
#Sindhuuday News