ખેડા જિલ્લાને રૂપિયા ૩૫૨.૯૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેંટ આપતા મુખ્યમંત્રી

નરેશ ગનવાણી નડિયાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિવરાત્રિના પાવન પર્વે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતેથી નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજ સહિતના રૂપિયા ૧૩૦.૦૯ કરોડના ૧૭ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૨૨.૮૯ કરોડના ૧૬  કામોના ખાતમુહૂર્ત મળી કુલ રૂપિયા ૩૫૨.૯૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ જિલ્લાવાસીઓના ચરણે ધરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન શિવજીની ઉપસનાના પર્વે ડાકોરના રણછોડરાયજીના દર્શનના સૌભાગ્યની તક મળી છે, તેમ જણાવી વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ માતા – બહેનોના ગૌરવ અને સામર્થ્યની પરંપરાને “ગ્યાન” – ગરીબી, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર કેન્દ્રિત કરીને આગળ વધારી છે. વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડબલ એન્જિન સરકાર પણ “ગ્યાન” આધારિત વિકાસને સમર્પિત છે. મુખ્યમંત્રીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મભૂમિ અને મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચા અને  રવિશંકર મહારાજની આ ખમીરવંતી ભૂમિના લોકોના વધુ સારા જીવન ધોરણના વિચારને સાકાર કરતા વિકાસ કામોની આજે જિલ્લાવાસીઓને ભેટ મળી છે. તેમ જણાવતા તેઓએ ઉમેર્યું હતું કે, વિકાસ માટે નાણાંની કોઈ તંગી ના રહે અને કામો ગુણવત્તાપૂર્ણ અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે વડાપ્રધાનની ગેરંટી છે.  નરેન્દ્રભાઈ મોદીએ ગત સપ્તાહમાં રૂપિયા ૧.૧૦ લાખ કરોડના કામોની ભેટ આપીને ગુજરાતમાં વિકાસના કામોની વસંત ખીલાવી છે. તેના પગલે ચાલીને ડબલ એન્જિનની આ સરકારે પણ ગત એક સપ્તાહમાં જ ૮ જિલ્લામાં વધુ રૂપિયા ૫૯૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનના ચરણે ધરી છે. ડબલ એન્જિન સરકાર દ્વારા ખેડા જિલ્લાને મળેલ ડબલ વિકાસ કામોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીને સાકાર કરતો વિકાસનો ઉત્સવ રણછોડરાયજીના ધામ ડાકોરમાં આજે ઉજવાયો છે. એટલું જ નહીં પરંતુ નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપી ગુજરાત સરકારે પ્રધાનમંત્રીશ્રીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને વેગ આપ્યો છે. મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના લોકો વિવિધ યોજના અંતર્ગત મળેલ લાભનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૧૫ લાખથી વધુ ગરીબોને નિશુલ્ક અનાજ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી છેલ્લા પાંચ વર્ષમાં ખેડા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના ૨૪,૫૦૦થી વધુ પરિવારોનું પાકું મકાનનું સ્વપ્ન સાકાર થયું છે. જિલ્લાના ૧૨ હજાર થી વધુ નાના વેપારી અને ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ૧૬ કરોડના લાભો થકી વધુ સશક્ત કરવામાં આવ્યા છે. મહિલા દિને જિલ્લાની બહેનોને મોદી સરકાર દ્વારા મળેલા લાભો વર્ણવતા મુખ્મંત્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાની ૧.૯૨ લાખ બહેનોને ગેસ કનેક્શન આપી તેઓને ચૂલાના ધુમાડાના ત્રાસથી મુક્ત કર્યા છે. એટલું જ નહિ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જિલ્લામાં ૬.૮૧ લાખ બેંક ખાતા ખોલવાની સાથે જિલ્લામાં ૭.૩૪ લાખ પરિવારોને આયુષ્માન કાર્ડ આપી તેમને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી  દેવુસિંહ ચૌહાણે મુખ્યમંત્રીના હસ્તે થયેલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ – ખાતમુહૂર્ત દ્વારા મધ્ય ગુજરાતના કેન્દ્રસમા ખેડા જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં ખેડા જિલ્લા કલેકટર  અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કરી શિવરાત્રિના પવિત્ર દિવસે ખેડા જિલ્લાને કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેંટ આપવા બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કાર્યોને આલેખતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લાના ધારાસભ્યો સર્વ પંકજભાઈ દેસાઈ,  યોગેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ મહિડા, અર્જુનસિંહ ચૌહાણ,  કલ્પેશભાઈ પરમાર,  રાજેશ ઝાલા, પૂર્વ મંત્રી  ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા વિકાસ અધિકારી  એસ.ડી. વસાવા, અધિક નિવાસી કલેકટર બી. કે. જોષી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખઓ, જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી નડિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: