અજાણ્યો શખ્સ ઘરે આવી ૨.૫૦ લાખની કેમેરા કીટ ફોટોગ્રાફરના નામે લઈ પલાયન થઇ ગયો
નરેશ ગનવાણી નડિયાદ
મહેમદાવાદ શહેરમાં હરસિધ્ધ પાર્કમાં રહેતા રવિ પરમાર ફોટોગ્રાફીનો કામ કરે છે. યુવકે ફાઇનાન્સમાં લોન કરાવી કેમેરાની કીટ વસાવી હતી. જેમાં એક કેમેરા, ત્રણ લેન્સ, ફલેસ લાઇટ, ટ્રીગર, કેમેરાની બેટરી, બે ચાર્જર અને ત્રણ કેબલ આવ્યા હતા. તા. ૨૯ ફેબ્રુઆરીએ યુવકે કેમેરાની કીટ વેચાણ અર્થે મૂકી હતી. તા.૧ માર્ચના રોજ એક અજાણ્યા મોબાઇલ ધારકે યુવકને ફોન કરી આણંદથી વિજય પટેલની ઓળખાણ આપી કેમેરાની કિટ જોવાનુ કહેતા. તા. ૨ માર્ચના રોજ અજાણ્યો શખ્સ કેમેરાની કીટ જોવા ફોટોગ્રાફરના ઘરે આવ્યા હતા. ત્યાં અજાણ્યા શખ્સે કહ્યું હતું કે મારો ભાઈ અહીંયા આવે છે તે કીટ જોઈ લે પછી કિંમત નક્કી કરીએ છીએ. તે સમયે ફોટોગ્રાફર યુવકના પડોશમાં લગ્ન હોવાથી તે મહારાજને લેવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યો શખ્સ ફોટોગ્રાફરના ઘરેથી કેમેરાની કીટ લઇ ગયો હતો. ફોટોગ્રાફર યુવાન ઘરે પરત આવતા કેમેરાની કીટ જોવા ન મળી હતી. જેથી પરિવારજનોને પૂછતા જાણવા મળ્યુ હતુ કે આણંદથી કેમેરાની કીટ લેવા આવેલા શખ્સે ફોટોગ્રાફર કીટ મંગાવ્યો હોવાનું કહી કેમેરા લઇ ગયા છે.
