નડિયાદ પાસે બાઇક ઉપર ત્રણ સવારી જતાં અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
મહુધાના અલીણા ગામ પાસે બાઇક પર ત્રણ સવારી જતાં અકસ્માત સર્જાયો હતો.
બાઈક ચાલકે અચાનક ટર્ન મારતાં ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઠાસરાના રવલિયા ગામના ભાટીપુરા વિસ્તારમાં રહેતાં કૌશિકભાઈ ચાવડા અને
સંજયભાઈ બળદેવભાઈ પરમાર બંને લોકો અમદાવાદના ઓઢવ નોકરી માટે સાથે નીકળતા અને સાથે પરત ઘરે આવતા હતા. ગઈકાલે આ બંને લોકો પરત આવતા હતા અને કૌશિકભાઈને તેમની સાસરીના પ્રસંગમાં જવાનું હોવાથી તેઓ બંને લોકો કઠલાલ ચોકડીએ સાંજના ૬ વાગ્યાની આસપાસ કૌશિકભાઈએ પોતાના પિતરાઈ ભાઈ મહેન્દ્રભાઈ વિક્રમભાઈ ચાવડાને કઠલાલ લેવા માટે બોલાવ્યા હતા. જ્યાંથી કૌશિકભાઈ, સંજયભાઈ અને મહેન્દ્રભાઈ ત્રણેય લોક બાઈક પર આવતા હતા ત્યારે બાઈકચાલક મહેન્દ્રભાઈ ચાવડાએ પોતાનું વાહન બેદરકારીભર્યું હંકારી અચાનક ટર્ન મારતા ત્રણેય વ્યક્તિઓ રોડ પર પછડાયા હતા. જેથી ત્રણેયને શરીરે ઇજાઓ પહોંચી હતી. ત્રણેયને ૧૦૮ દ્વારા મહુધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યારે કૌશિકભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને મહેન્દ્રભાઈ તથા સંજયભાઈને વધારે ઇજાઓ થતાં વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સંજયભાઈ બળદેવભાઈ પરમારનુ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે કૌશિકભાઈ ચાવડાએ બાઈકચાલક મહેન્દ્રભાઈ ચાવડા વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ આપી છે.