દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સોલર આર.ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરવામાં આવ્યુ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના વિકાસલક્ષી કાર્યોની શ્રૃંખલામાં આજ રોજ મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા માતર, રધવાણજ ચોકડી, ચંચળબા વાડી ખાતે કોલ ઇન્ડિયા અને ઓ.એન.જી.સીના સયુંક્ત ઉપક્રમે માતર અને ખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓને સોલર આર. ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં માતર તાલુકાની માતા વાળો કુવો પ્રાથમિક શાળા, મોતીપુરા પ્રાથમિક શાળા, બોરપુરા પ્રાથમિક શાળા અને ખેડા તાલુકાની ઢાકણીપુરા પ્રાથમિક શાળા અને ડામરી પ્રાથમિક શાળાના આચાર્યોને મંત્રી દ્વારા આર.ઓ.પ્લાન્ટ અને સોલર પેનલ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાની શાળાઓના બાળકોને પીવાનું શુદ્ધ પાણી અને સતત વીજળી મળી રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્ર સરકારના જાહેર સાહસો ઓએનજીસી અને કોલ ઈન્ડિયા લિ. ના સામાજિક જવાબદારીના સીએસઆર ફંડ હેઠળ ખેડા લોકસભા મતવિસ્તારની ૬૫ શાળાઓમાં રૂ. ૨.૫ કરોડના ખર્ચે સોલાર આર.ઓ. વોટર પ્યૂરીફાયર ઓએનજીસી દ્વારા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત કોલ ઈન્ડિયા લિ. દ્વારા ૨ કરોડના ખર્ચે ૩૬ શાળાઓમાં સોલાર આર.ઓ. વોટર પ્યૂરીફાયર અને ૩૯ સોલાર સ્ટ્રીટ લાઈટ આપવામાં આવી રહી છે. આમ, જાહેર ક્ષેત્રના બંને ઉપક્રમો દ્વારા પૂરા પાડવામાં આવેલ કુલ રૂ. ૪.૫ કરોડના સીએસઆર ફંડ સાથે, ૧૦૧ શાળાઓમાં સોલાર આર. ઓ. વોટર પ્યુરીફાયર અને ૩૯ સ્થળોએ સ્ટ્રીટ લાઈટોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રીએ જનકલ્યાણના આ કાર્ય માટે ભારત સરકારના ઓએનજીસી અને કોલ ઈન્ડિયાના મેનેજમેન્ટ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે આવતા થી ૧.૫ માસના સમયમાં આ તમામ સાધનો જિલ્લાની શાળાઓમાં ઈન્સ્ટોલ કરી દેવામાં આવશે. વધુમાં આગામી ટુંક જ સમયમા ખેડા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી મંત્રીશ્રીએ આપી હતી. આ પ્રસંગે માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશભાઈ વાધેલા, જિલ્લા અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, એપીએમસી ચેરમેન અપુર્વભાઈ, પોસ્ટ વિભાગના અધિકારીઓ અને શાળાના આચાર્યો સહિત અન્ય આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા.