ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણા હાઇવે માર્ગ ઉપર કાર-સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા 16 વર્ષીય છાત્રાનું મોત.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણા હાઇવે માર્ગ ઉપર કાર-સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા 16 વર્ષીય છાત્રાનું મોત.

મૃતક કિશોરી મૂળ ઝાલોદ તાલુકાના કદવાળ ગામની ફતેપુરા તાલુકાના કુંડલા ગામે મામાના ઘરે રહી અભ્યાસ કરતી હતી*ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી મામા સાથે મોટરસાયકલ ઉપર પરત કુંડલા ગામે જતા અકસ્માત સર્જાયો

ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા ઝાલોદ-સંતરામપુર હાઇવે માર્ગ ઉપર વાહન ચાલકોની બેદરકારીના કારણે અવાર નવાર નાના- મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.અને જેમાં નિર્દોષ લોકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે.જે પૈકી કેટલાક નિર્દોષ લોકો કાળનો કોળિયો પણ બની રહ્યા છે.તેવી જ રીતે આજ રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી મોટર સાયકલ ઉપર પરત મામા સાથે ઘરે જતા મકવાણાના વરૂણા હાઇવે માર્ગ ઉપર મોટર સાયકલ-વેગેનર કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક 16 વર્ષીય કિશોરીનું મોત નીપજવા પામેલ છે. જ્યારે મોટરસાયકલ ચાલક તેના મામાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ તાલુકાના કદવાળ ગામના ખેડા ફળિયામાં રહેતી ઉર્વશીબેન મહેશભાઈ વસૈયા ઉ.વ.16 નાઓ ફતેપુરા તાલુકાના કુંડલા ગામના તેના મામા અતુલભાઇ મોહનભાઈ ભાભોરના ઘરે રહી ધોરણ 10 નો અભ્યાસ કરતી હતી.જેથી હાલ બોર્ડની પરીક્ષા ચાલતી હોય ઉર્વશીબેન વસૈયા આજરોજ સુખસર ખાતે પરીક્ષા આપવા માટે આવી હતી.જ્યારે બપોરના એક વાગ્યાના સમયે પરીક્ષા પૂરી થતાં તેના મામા અતુલભાઈ ભાભોર મોટરસાયકલ લઈ ઉર્વશીબેનને લેવા માટે આવ્યા હતા.અને દોઢેક વાગ્યાના અરસામાં પરત કુંડલા ગામે મોટરસાયકલ ઉપર મામા-ભાણેજ જઈ રહ્યા હતા.તેવા સમયે મકવાણાના વરુણા નાલંદા પબ્લિક સ્કૂલની સામે વળાંકમાં સામેથી આવતી વેગેનર કાર નંબર જીજે-17.એન-3255 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી અતુલભાઇ ભાભોરની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવતા મોટરસાયકલ ઉપર સવાર ઉર્વશીબેન તથા અતુલભાઇ નાઓ રોડ ઉપર જોશભેર પટકાયા હતા.જેમાં ઉર્વશીબેનને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોતની જવા પામેલ હોવાનું જાણવામાં આવે છે.જ્યારે અતુલભાઇ ભાભોરને પગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. જુવાનીના ઉંબરે પહોંચેલી કિશોરીનું અકસ્માતે મોત નીપજતા પરિવાર સહિત મોસાળમાં હાહાકાર સાથે રોકકળ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત અકસ્માત સંદર્ભે સુખસર પોલીસને જાણ થતાં અકસ્માતનોતરનાર વેગેનર કારને પોલીસે કબજે લઈ મૃતક કિશોરીનો મૃતદેહ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: