નડિયાદના કમીશન એજન્ટે હાથ ઉછીના લીધેલા ૧૫ હજાર ભારે પડ્યા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં કમીશન એજન્ટ તરીકે ધંધો કરતા આ વ્યક્તિએ હાથ ઉછીના રૂપિયા ૧૫ હજાર લીધા હતા. જોકે આ નાણા ચૂકવી ન શકતા સિક્યુરિટી પેટે કાર આપી ત્યારબાદ રૂપિયાની સગવડ થતાં કમીશન એજન્ટ કાર છોડાવવા જતાં કાર પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિજયપાર્કમા રહેતા દક્ષેશકુમાર ભાસ્કરભાઈ ભટ્ટ જે કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૩મા દક્ષેશભાઈએ પોતાના મિત્ર નીરવ પંડ્યાના મિત્ર રફીકશા મહેદીશા દિવાન (રહે.૫, શેરોન સોસાયટી, આણંદ) પાસેથી હાથ ઉછીના દક્ષેશભાઈએ ૧૫ હજાર લીધા હતા. વ્યાજ વગર જ આ નાણાં રફીકશા દિવાને મિત્રના ભરોસે આપ્યા હતા. દક્ષેશભાઈએ ટૂંક સમયમાં રૂપિયા પરત આપી દેવાની બાંહેધરી આપી હતી. રૂપિયા સગવડ ન થતા તેઓ રૂપિયા પરત આપી શક્યા નહોતા. ૨ એપ્રિલ ૨૦૨૩ના રોજ આ રફિકભાઈ અને નીરવભાઈ બંને દક્ષેશભાઈના ઘરે આવ્યા હતા. પૈસા ચૂકવી આપવા વાત કરી હતી. ત્યારે દક્ષેશભાઈ પાસે રૂપિયા ન હતાં. રફિકભાઈએ તેમની પાસે સિક્યુરિટી પેટે કોઈ વસ્તુ આપવાનું જણાવ્યું. દક્ષેશભાઈએ પોતાની કાર રફિકભાઈ ને સોંપી દીધી અને કહ્યું હતું કે આ કારના માસિક હપ્તાઓ અને ઇન્સ્યોરન્સ બાકી છે જેથી ગાડી રોડ ઉપર ફેરવતા નહીં. ૧૨મી ડીસેમ્બર ૨૦૨૩ના રોજ દક્ષેશભાઈને નાણાની સગવડ થઇ જતા આણંદ રફીકભાઈના ઘરે ગાડી છોડાવવા ગયા હતા. પરંતુ આ રફિકભાઈનું ઘર બંધ હતું. અને દક્ષેશભાઈએ ફોન વાત કરી ત્યારે રફીકભાઈએ પોતે બહાર હોવાનું જણાવ્યું. ત્યારબાદ દક્ષેશભાઇએ અવારનવાર ગાડી માટે ફોન કરતા. પરંતુ રફિકભાઈ સંતોષકારક જવાબ આપતા ન હતા અને છેલ્લે તો ફોન પણ રીસીવ કરવાનો બંધ કરી દીધો હતો. જેથી ગઇકાલે આ મામલે દક્ષેશભાઈ ભટ્ટે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે રફીકશા મહેદીશા દિવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.