દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થયા, હવે માત્ર બે એક્ટિવ કેસ
દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૩૪ પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે.
દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસના નોંધાયેલા તમામ કેસો એસ્મ્ટોમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાયરસ લાગું પડ્યો હોય પણ તેમનામાં એના કોઇ જ પ્રકારના લક્ષણ ના હોય તેવા દર્દીઓ. દાહોદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અહીં ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા દર્દીઓને સઘન સારવાર આપવામાં આવતા દર્દીઓ તંદુરસ્ત થઇ રહ્યા છે.
આજે શાહરૂખભાઇ યુસુફભાઇ સબ્જીફરોજ (૨૨), ચુનિયાભાઇ જીથરાભાઇ હઠીલા (૪૨), મુકેશભાઇ પ્રહલાદભાઇ વણઝારા (૩૬), મુકેશભાઇ મંગાભાઇ અણસેરિયા (૩૫)ને આજે તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી.
Sindhuuday Dahod