એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઈવે પર રવિવારે વહેલી સવારે ટ્રકની પાછળ ફિજી ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
નડિયાદના ચકલાસી ગામ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પર રવિવારે વહેલી સવારે અહીંયાથી એક ટ્રક આગળ જતી અન્ય એક ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ અક્સ્માત એટલો ગમખ્વાર હતો કે પાછળ જે ટ્રક ઘૂસી તેના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે બે વ્યક્તિઓ ટ્રકના કેબીનમાં ફસાયા હતા. અકસ્માતની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમ અને એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેબીનમા ફસાયેલ બન્ને વ્યક્તિને કટરની મદદથી કેબીનના પતરા કાપી બહાર કાઢવામા આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પોલીસ ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.