ઝઘડામાં પતિએ પત્નીને ગળે દોરડા વડે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝઘડામાં પતિએ પત્નીને ગળે દોરડા વડે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ચાંદલા વિધિના રૂપિયા બાબતે દંપત્તિ વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી દરમિયાન ઉસ્કેરાયેલા પતિએ ૨૫ વર્ષીય પત્નીને ગળામાં દોરડું વિટાળી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાના મતલબની પોલીસમાં ફરિયાદ નોંધાતા લીમડી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાના કચુંબર ગામના આમલા ફળિયાની ૨૫ વર્ષીય નીતાબેન કલાસવાના લગ્ન ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના ઘાટી ફળિયામાં રહેતા સંજયભાઈ નુરજીભાઈ વગીલા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. પરમદિવસ તારીખ ૩૦ -૩ – ૨૦૨૪ ને શનિવારના રોજ નીતાબેન સાથે તેના પતિ સંજયભાઈને ચાંદલા વિધિના રૂપિયા ૫૦૦૦ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયા હતા. તે દરમિયાન સંજયભાઈએ એકદમ ગુસ્સામાં આવી નજીકમાં પડેલ દોરડું ઉઠાવી પત્ની નીતાબેનના ગળામાં તે દોરડું વીંટાળી ગળે ટૂંપો દઈ પત્ની નીતાબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ સંબંધે મરણ જનાર નીતાબેનના કચુંબર ગામે રહેતા મોટાભાઈ વિરેશભાઈ જાેખનાભાઈ કલાસવાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે ડુંગરી ગામના સંજયભાઈ નૂરજીભાઈ વગીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.