ધાનપુર પોલીસે ₹2.92 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે દસ મોટર સાયકલો પકડી પાડી.
વનરાજ ભુરીયા ગરબાડા
ધાનપુરના ટોકરવા ગામના જંગલમાં દારૂની કટીંગ વેળાએ ત્રાટકેલી ધાનપુર પોલીસે ₹2.92 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે દસ મોટર સાયકલો પકડી પાડી.
દારૂ લેવા માટે મોટરસાયકલો લઈને આવેલા જુદા જુદા ગામના દશે જણા પોલીસને ચકમો આપી ફરાર.
2.92 લાખ ઉપરાંતની કિંમતનો દારૂ તથા રૂપિયા પાંચ લાખ ઉપરાંતની કિંમતની 10 મોટર સાયકલો મળી કુલ રૂપિયા 8,02,320/- નો મુદ્દા માલ કબજે લીધો.
ધાનપુર તાલુકાના ટોકરવા ગામના જંગલમાં વિદેશી દારૂનો જંગી જથ્થો મંગાવી કટીંગ માટેની ચાલી રહેલી તૈયારીઓ દરમિયાન ધાનપુર પોલીસે ઓચિંતી રેડ પાડી ₹2.92 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા પાંચ લાખ ઉપરાંતની કિંમતની 10 મોટર સાયકલો મળી કુલ રૂપિયા ૮, ૦૨, ૩૨૦/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર બાદ હાલ આદિવાસીઓમાં લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે. તેવા સમયે મોકનો લાભ લઈ વિદેશી દારૂનો તગડો વેપલો રળી લેવા જિલ્લાના બુટલેગરો પણ સક્રિય બન્યા છે. અને પોત પોતાના ગજા પ્રમાણે વિદેશી દારૂ બિયરનો જથ્થો મંગાવી રહ્યા છે. ત્યારે જિલ્લાની પોલીસ પણ બુટલેગરોની આ હરકત પર બાજ નજર રાખી રહી છે. તેવા સમયે આજરોજ પોતાના સ્ટાફના છ જેટલા એએસઆઈ તથા બે જેટલા પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 8 જેટલા પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ પેટ્રોલિંગમાં નીકળેલા ધાનપુર પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારી પીએસઆઇ એન એન પરમારને બાતમી મળી હતી કે ધાનપુરના ટોકરવા ગામના જંગલમાં વિદેશી દારૂ તથા બિયરનો જંગી જથ્થો મંગાવી તેના કટીંગ માટે ધાનપુરના ગઢવેલ ગામના બળવંતભાઈ બાબુભાઈ રાઠવા, ધાનપુરના પીપળીયા ગામના ગોવિંદભાઈ અજમેર ભાઈ ડામોર, ધાનપુરના ડભવા ગામના કંદ ઉર્ફે કંદો ભાઈ અશ્વિનભાઈ રાઠવા, મધ્યપ્રદેશના કઠીવાડા ગામના ગોવિંદભાઈ પારસીંગભાઇ રાઠવા, મધ્યપ્રદેશના લખાવટ ગામના કાળુભાઈ ઉદીયાભાઈ ઢાકડ, રાહુલભાઈ માધુભાઈ ઢાકડ, મધ્યપ્રદેશના ગોળઆંબા ગામના ઈશ્વરભાઈ જાગીરીયાભાઈ કિરાડ, બાબુભાઈ જાગીરિયાભાઈ કિરાડ, અર્જુનભાઈ દરિયાભાઈ કિરાડ તથા રાહુલભાઈ દૂરસિંગભાઈ કિરાડ વગેરે પોતાની મોટરસાયકલ લઈ ભેગા થયા છે. જે બાતમીને આધારે ધાનપુર પીએસઆઇ એન એન પરમાર તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ ધાનપુરના ટોકરવા ગામના જંગલમાં બાતમી વાળી જગ્યાએ ઓચિંતી પ્રોહી રેડ પાડતા દારૂના કટીંગ માટે મોટરસાયકલો લઈને આવેલા ઉપરોક્ત દશે જણા પોતપોતાની બાઈકો સ્થળ પર જ મૂકી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 2,92, 320/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ- 2424 પકડી પાડી સ્થળ પરથી રૂપિયા પાંચ લાખ દસ હજારની કુલ કિંમતની મોટરસાયકલ નંગ -10 મળી કુલ રૂપિયા 8,02,320/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ નાસી ગયેલા ઉપરોક્ત દશે જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.